ભરૂચ-

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે આ રાજીનામું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને મોકલ્યું છે. આ રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


તેમણે પત્રમાં લખ્યું છે કે, 'ભારતીય જનતા પક્ષે મારી ક્ષમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ઘણો જ આભાર માનું છું. શક્ય તેટલી પક્ષમાં પણ વફાદારી નીભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભુલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ મને પક્ષ ક્ષમા કરે.  તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે, બજેટ સત્ર દરમિયાન લોકસભાના સભ્યપદેથી પણ માનનીય સ્પીકર સાહેબને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ. આ મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગીરીને પણ જાણ કરશો' સાંસદ મનસુખ વસાવાના પક્ષમાંથી અચાનક રાજીનામાને પગલે હાલ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. હાલ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.