ગાંધીનગર તા.૧૪

ભારતીય જનતા પાર્ટીના શાસન અને નીતિરીતિના કારણે આજે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વચેટિયાઓ અને વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેવો આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ કર્યો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૫૨ ટકા વસ્તી ઓબીસી સમાજની છે અને જે ૧૦ ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત મળતી હતી તેને ભાજપે ખતમ કરી નાખી છે તેમ તેમ જણાવીને વધુમાં કહ્યું કે, જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા ૯૦ દિવસમાં રિપોર્ટ આપવાનો હતો પરંતુ આજે આઠ મહિના થઈ ગયા છે, છતાં હજુ સુધી તેનો રિપોર્ટ ન આવતા તેની મુદતમાં સરકાર દ્વારા વધારો કરાયો છે. જાે આ મુદત લંબાશે તો ૭૧૦૦થી વધુ ગ્રામ પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૮ નગરપાલિકાઓ સહિતની સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

આ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જાેગવાઇ કરાશે. આજે ૯૦ દિવસને બદલે લગભગ ૮ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં રિપોર્ટ સબમિટ થયા નથી. ૧૦ ફેબ્રુઆરીએ આયોગની મુદત પૂર્ણ થતી હતી ત્યારે તેની ફરી મુદત વધારો કરાયો છે.

ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અનેક જગ્યાઓ જે ચૂંટણીઓ હતી તે પણ થઈ શકતી નથી. લગભગ ૨,૫૦૦ જેટલી ગ્રામપંચાયતોમાં ગત ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાય ચૂક્યા છે. ત્યારે હજુ પણ રિપોર્ટના વિલંબના કારણે ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બાકીની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડ્યુ છે તે તમામ જગ્યાઓએ પણ વહીવટદારો મૂકવા ફરજિયાત બનશે.

પંચાયત ધારો કાયદાની જાેગવાઇ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકાતા નથી. ચૂંટાયેલી પાંખ દ્વારા જ વહીવટ થવો જાેઈએ તે કાયદાથી પ્રસ્થાપિત છે તેમ છતાં પણ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિ કે પાંખના બંધારણીય અધિકાર છીનવીને પોતાના ઇશારે, પોતાની મરજી મુજબ ચાલતા હોય તેવા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે.

રાજયમાં ૭૧૦૦ ગ્રામ પંચાયતો, બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૭૫ નગરપાલિકામાં ચૂંટણી ડ્યુ છે ઃ ચાવડા

આગામી દિવસોમાં ગુજરાતમાં ૭,૧૦૦ કરતા વધુ ગ્રામપંચાયતોમાં વહીવટદારો વહીવટ કરશે. તો આગામી દિવસોમાં રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો, ૭૨ નગરપાલિકાઓની ચૂંટણી ડ્યુ છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓને વિસર્જિત કરાઈ છે. આ તમામ સંસ્થાઓમાં સમયસર ચૂંટણી ન યોજાય તો આ તમામ સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન આવી શકે છે.

ઓબીસી અનામત માટેના સમર્પિત આયોગની મુદત લંબાવીને ૧૨માર્ચ સુધીની કરાઈ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચાયેલા જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલા સમર્પિત આયોગની મુદતને ૨૦ દિવસ વધારીને આગામી તા. ૧૨ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ ચૂંટણીઓમાં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૨માં વસ્તી આધારિત ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષ સ્થાને આયોગને ૯૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જાે કે આયોગની મુદતમાં સમયાંતરે વધારો કરીને તા. ૨૦ ફેબ્રુઆરીના રોજ રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પરંતુ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે એક સુધારા ઠરાવ કરીને સમર્પિત આયોગની અહેવાલ/ ભલામણ સોંપવાની મુદત તા. ૨૦-૦૨-૨૩ હતી તેને લંબાવી છે. હવે આયોગ દ્વારા અહેવાલ/ભલામણ સોંપવાની મુદતને આગામી તા. ૧૨-૦૩-૨-૨૩ સુધી લંબાવવામાં આવી છે.