મનપાનાં વોર્ડ નંબર ૭માં ભાજપનાં ઉમેદવાર રઘુ ખુંટને સ્થાનિકે જાહેરમાં તતડાવ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   સુરત   |   792

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર ૭ કતારગામ-વેડ વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી. પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ ખુંટને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સત્તાનો દુરૂપયોગ કરીને ડિમોલિશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો.

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૭ કતારગામ-વેડમાં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને રઘુ ખુંટ સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો. મતદાતાએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે. ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જાેવા મળ્યો હતો. મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું.

મતદાતાએ રઘુ ખુંટને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પરંતુ તમારું નામ સાંભળ્યું છે. નંદુ દોશી વાડીમાં જે ૧૦ મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પુરાવા છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો. મતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલિશનના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે પ્રચારમાં સાથે રહેલા ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બિચકવાની શક્યતા હતી. મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જાેતા, પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં જ રઘુ ખુંટ સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વિલા મોઢે વિદાય લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution