પગાર ઘટાડ્યાં હોવાથી હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારોને અપીલ કરવાનો ઇન્કાર કરતાં ભાજપ નેતાગીરીમાં ચિંતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   2178

સુરતનાં વરાછા, કતારગામ વિસ્તારમાં ૭-૮ મોટી હીરાની ફેક્ટરીઓ છે કે જ્યાં ૧૦ હજારથી લઇને ૨૨ હજાર જેટલા રત્નકલાકારો એક જ છત નીચે એટલે કે એક જ ફેક્ટરીમાં કાર્યરત છે. અત્યાર સુધી આ રીતે હજારો રત્નકલાકારો તેમના માલિક ઉદ્યોગપતિઓ કહે ત્યાં વોટ કરતા હતા પરંતુ, આ વખતે રત્નકલાકારોને સૂર અને તેવર બદલાયા છે એટલે ઉદ્યોગપતિઓ પણ તેમની પાસે વોટ માગવા આવતા ઉમેદવારોને રોકડું પરખાવી રહ્યાં છે કે આ વખતે રત્નકલાકારોને તેવર બદલાયા છે અને અમે જેની તરફેણ કરીશું સંભવ છે કે રત્નકલાકારો તેની વિરુદ્ધમાં જ વોટ કરશે.

શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ કહે છે કે હીરા કટિંગ પોલિશિંગની વિશ્વની સૌથી મોટી ફેક્ટરીઓ સુરતનાં વરાછા, કતારગામ વિસ્તારમાં વિકસેલી છે. આ ૭-૮ મોટી ફેક્ટરીઓમાં રત્નકલાકારો એટલી મોટી સંખ્યામાં કામ કરે છે કે તેઓ આ વખતની ચૂંટણીમાં વરાછા કતારગામના અનેક વોર્ડના ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ રત્નકલાકારો કોની તરફેણમાં મતદાન કરશે એ નિશ્ચિત નથી. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે રત્નકલાકારો ભાજપની તરફેણમાં મતદાન કરતા હતા એટલે ભાજપના ઉમેદવારો વિજેતા બનતા આવ્યા છે પરંતુ, પાલિકાની ગઇ ચૂંટણીની મતગણતરી બાદ એક બે નહીં પણ ૨૭ સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા બનીને આવ્યા એ પછી સિનારીયો બદલાય ગયો છે અને હવે આ વખતે ઉદ્યોગપતિઓની વિરોધમાં એટલા માટે રત્નકલાકારો આવ્યા છે કે છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હતો અને ઉદ્યોગપતિઓએ વર્ષોથી તેમની ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોને ટેકો આપવાની વાત તો દૂર રહી પરંતુ, પગાર ઘટાડી નાંખ્યા હતા, જેને લઇને રત્નકલાકારોમાં ઉદ્યોગપતિઓ પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે.

ભાજપ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિનાં કારખાના હજારોની સંખ્યામાં રત્નકલાકારો કાર્યરત છે અને એવા અણસાર મળી રહ્યા છે કે તેમને ત્યાં કામ કરતા મોટા ભાગના રત્નકલાકારોમાં આ વખતે ભાજપ વિરોધી વાતાવરણ જાેવા મળી રહ્યું છે અને આ ઉદ્યોગપતિ સહેજ પણ જાેખમ લેવા માંગતા નથી એટલે તેઓ પોતાને ત્યાં કામ કરતા રત્નકલાકારોને મત આપવા માટે એક અપીલ પણ કરવા રાજી નથી.

વરાછા, કતારગામમાં જે તે વોર્ડનાં ભાજપનાં ઉમેદવારોની જીતાડવાની, ચૂંટણીની જવાબદારી ધરાવતા અનેક મોટા નેતાઓ, ઉમેદવારો

પણ મોટા ઉદ્યોગપતિઓની મુલાકાત લઇ આવ્યા છે, આ તમામ મોટા ઉદ્યોગપતિઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે રત્નકલાકારોનું રીએક્શન વિરુદ્ધમાં આવી શકે છે એટલે મત માટે અપીલ કરવામાં મામલો બગડી જવાની પણ દહેશત છે. હીરા ઉદ્યોગકારોની કબૂલાતથી ઉભી થયેલી સ્થિતિ સ્પષ્ટ કરે છે કે રત્નકલાકારોનાં તેવર બદલાયેલા છે અને તેને કારણે ઉમેદવારોની સાથે સાથે ભાજપ નેતાગીરીમાં પણ ગભરાટ મચી ગયો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution