લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
4059
ભાજપ મંત્રી મહાજનને ગેટ આઉટ કહ્યું! મુંબઈના વર્લી વિસ્તારમાં ભાજપની રેલી દરમિયાન ટ્રાફિક જામથી નારાજ એક મહિલાએ મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનને જાેરદાર ઠપકો આપ્યો હતો. આ ઘટના મંગળવારની છે, જ્યારે ભાજપ મહિલા અનામત બિલને લઈને વિપક્ષને ઘેરવા માટે રેલી કાઢી રહ્યું હતું. આરોપ છે કે રેલીના કારણે રસ્તા પર ભારે જામ લાગી ગયો, જેનાથી લોકોને મુશ્કેલી પડી હતી. વાયરલ વીડિયોમાં મહિલાએ મંત્રીને કહ્યું ‘ગેટ આઉટ ઓફ હિયર’. તમે ટ્રાફિક જામ કરી રહ્યા છો. તેણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે રેલી નજીકના કોઈ ખુલ્લા મેદાનમાં શા માટે નથી કરવામાં આવી રહી, જેથી લોકોને મુશ્કેલી ન થાય. રેલીમાં સામેલ લોકોના રસ્તા પરથી ન હટવા પર મહિલા ફરીથી પાછી આવી અને કહ્યું, તમને સમજ નથી પડી રહી. મહિલા મંત્રીને પૂછે છે કે ‘વોટ ઇઝ રોંગ વિથ યુ’. અહીં સેંકડો લોકો ઉભા છે. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોલીસ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે એક કલાકથી રસ્તા પર ફસાયેલી છે. બાદમાં પોલીસ મહિલાને એક તરફ લઈ ગઈ અને ભરોસો અપાવ્યો કે ટ્રાફિક જલદી ક્લિયર કરાવી રહ્યા છીએ. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ આ વીડિયો એક્સ પર શેર કરતા કહ્યું કે ભાજપના ડ્રામાને કારણે નાગરિકોને પરેશાની થઈ રહી છે. મહિલાનો ગુસ્સો લોકોમાં વધતી નારાજગી દર્શાવે છે.