વડોદરા, તા.૮

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠક પર તા.પમીએ યોજાયેલી ચૂંટણીમાં ૬પ.૮૩ ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીમાં ૧૦માંથી ૯ બેઠકો પર ભાજપ અને વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. ભાજપ તેનો ગઢ સાચવવામાં તો સફળ રહ્યો જ છે, સાથે ગત ચૂંટણીમાં જેટલી સરસાઈથી લીડ મેળવી હતી તેના કરતાં વધુ સરસાઈથી તમામ ઉમેદવારોએ જીત મેળવી છે. ભાજપના ઉમેદવારોનો ર૦ હજારથી ૧ લાખ સુધીની સરસાઈથી, જ્યારે અપક્ષ ઉમેદવારનો ૧૪ હજાર મતની સરસાઈથી વિજય થયો હતો.

વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના જિલ્લામાંથી સૂપડાં સાફ થઈ ગયાં છે. જાે કે, વાઘોડિયાની બેઠક ભાજપને ગુમાવવી પડી છે. જ્યારે પાદરાની બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આમ, એકંદરે ભાજપે વડોદરા જિલ્લાની ૯ બેઠકો જાળવી રાખી છે.પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલી મતગણતરી દરમિયાન સવારથી જ ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના કાર્યકરો અને નગરજનોમાં પરિણામને લઈને ઉત્તેજના વ્યાપી હતી. વડોદરા શહેરની પાંચેય બેઠકો પર એક-બે રાઉન્ડને બાદ કરતાં તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારોએ સરસાઈ જાળવી રાખી હતી. જ્યારે જિલ્લાના વાઘોડિયા, પાદરા અને ડભોઈ બેઠક પર કેટલાક રાઉન્ડમાં રસાકસી જાેવા મળી હતી. પરંતુ પાદરાની બેઠક ભાજપે ૬૧૭૮ મતે, જ્યારે ડભોઈની બેઠક ભાજપે ર૦ હજારથી વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી.વડોદરા શહેરની પાંચેય બેઠકો પર ભાજપે પોતાની પકડ જાળવી રાખતાં માંજલપુર બેઠક પર સાત ટર્મથી ચૂંટણી જીતનાર યોગેશ પટેલનો કોંગ્રેસના ડો. તશ્વિન સિંઘ સામે ૧ લાખ કરતાં વધુ મતોની જંગી સરસાઈથી વિજય થયો હતો. સયાજીગંજમાં ભાજપના ઉમેદવાર અને શહેરના મેયર કેયુર રોકડિયાનો કોંગ્રેસના ઉમેદવાર પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવત સામે ૮૪ હજાર મતોથી વિજય થયો હતો.શહેર-વાડીની બેઠક પર ભાજપના ઉમેદવાર અને મંત્રી મનીષા વકીલનો સતત ત્રીજી વખત વિજય હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમાર સામે ૯૮,૫૯૭ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્વ મેયર-સાંસદ બાળકૃષ્ણ શુક્લનો કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ સામે ૮૧ હજારથી વધુ મતે, જ્યારે અકોટા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈનો કોંગ્રેસના ઋત્વિજ જાેશી સામે ૭૭ હજારથી વધુ મતે વિજય થયો હતો. સાવલી બેઠક પર ભાજપના કેતન ઈનામદારનો કોંગ્રેસના કુલદીપસિંહ રાઉલજી સામે ૩૬૦૦૦થી વધુ મતની સરસાઈથી અને કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલનો કોંગ્રેસના પ્રિતેશ પટેલની સામે ર૬૦૦૦થી વધુ મતોથી વિજય થયો હતો. વાઘોડિયાની બેઠક પર ભાજપ - અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ૧૪ હજાર મતોથી વિજય થયો હતો. ૨૦૧૭ની ચૂંટણી બાદ કોંગ્રેસની બે બેઠકો હતી પરંતુ કરજણના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જાેડાતાં પેટાચૂંટણીમાં તેઓ વિજેતા થતાં ૯ બેઠકો થઈ હતી.