લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
2079
શહેર ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્યના દિકરાની ઉધનામાં રવિવારે મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. ડિંડોલી વોર્ડ યુવા મોરચામાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા આ યુવકને ત્રણ માથાભારે યુવકોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્રણ મહિના અગાઉ થયેલી માથાકૂટની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની શક્યતા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
ડિંડોલીમાં રામી પાર્ક નગીનભાઇ દલાલ તેમના પત્ની જયેશ્રી અને પૂત્ર જય સાથે રહે છે. જયેશ્રીબેન ભાજપના અગ્રણી કાર્યકર છે. ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઇ સાથે ઘરોબો ધરાવતાં જયેશ્રીબેન મહિલા મોરચાના કારોબારીમાં સ્થાન ધરાવે છે. જ્યારે તેમનો દિકરો જય લો કોલેજમાં અભ્યાસ કરતો હતો. જય પણ ભાજપનો સક્રિય કાર્યકર હતો. તે ડિંડોલી વોર્ડના યુવા મોરચાનો ઉપપ્રમુખ તરીકે હોદ્દો ઘરાવતો હતો.
ડિંડોલી અને ઉધના પોલીસ મથકમાં સારુ વર્ચસ્વ ધરાવતા જય દલાલને રવિવારે રાત્રે મિત્રોએ કોલ કરી ઉધના રોડ નંબર-૦૬ ઉપર બોલાવ્યો હતો. માતા જયેશ્રીબેનને મોડો આવીશ એવું કહી ઘરેથી નીકળેલો જય મિત્રો સાથે રોડ નંબર-૦૬ ઉપર ભંગારની દુકાન પાસે વાત કરી રહ્યો હતો. દરમિયાન સાડા બાર વાગ્યાના અરસામાં ત્યાં એક મોટર સાયકલ પર કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિન્દ કોળી આવ્યા હતાં. આ ત્રણેયે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી જય દલાલ સાથે માથાકૂટ કરવા માંડી હતી.
જાેત જાેતામાં વાત વધી ગઇ અને એ માથાભારે યુવકોએ તેમની પાસેના તિક્ષ્ણ હથિયારો કાઢી જય દલાલને આડેધડ ઘા ઝીંકવા માંડ્યા હતાં. સંખ્યાબંધ ઘા મારી આ ત્રણેય બદમાશો ફરાર થઇ ગયા બાદ મિત્રો જય દલાલને સારવાર માટે ઉધના દરવાજા સ્થિત એપલ હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયે દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં માતા જયેશ્રીબેન અને પિતા નગીનભાઇ દલાલ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હોસ્પિટલ આગળ એકઠાં થઇ ગયા હતાં.
જય ઉપર હુમલાનો કોલ મળતા ઉધના પોલીસનો કાફલો પહેલા રોડ નંબર-૦૬ અને પછી એપલ હોસ્પિટલ પહોંચી ગઇ હતી. જાે કે, પોલીસ કંઇ પૂછે એ પહેલા જય મૃત્યુ પામ્યો હતો. હુમલા વેળા જય સાથે હાજર એવા તેના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, આ હુલમો કિશન ઉર્ફે ચકલી સોમાભાઇ પરમાર, પંકજ પાટીલ અને મિલિન્દ કોળીએ કર્યો હતો. ત્રણ મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આ લોહીયાળ ખેલ ખેલાયો હોવાનું પણ તેઓએ જણાવતા પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.