ભરૂચ, તા.૭
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ તરીકે પ્રસિદ્ધ થયેલ ભાડભૂત બેરેજ યોજનાનું હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિડીયો કોંફરન્સ થકી ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બેરેજ યોજના રૂ.૫૩૦૦ કરોડના ખર્ચે ચાર વર્ષના સમયગાળા દરમિયાન તૈયાર થશે તેમ કહેવાય રહ્યું છે. જોકે બહુઆયમી ભાડભુત યોજના સામે માછીમાર સમાજનો પ્રારંભથી જ વિરોધ રહેલો છે. માછીમારોનું માનવું છે કે, ભાડભુત બેરેજ યોજના સાકાર થતા સમુદ્ર સંગમ સ્થળે થતી વિશ્વપ્રસિદ્ધ હિલસા માછલીની ઉત્પત્તિ નહીં થાય. તેમજ તેવોનો મચ્છીમારીનો વ્યવસાય પણ પડી ભાંગશે. તેથી ડેમના વિસ્થાપીતોની જેમ તેમને પણ વળતરનું પેકેજ મળવું જોઈએ તેવી તેમની ઉગ્ર માંગ છે. આ સમગ્ર યોજના ઉધોગોના લાભ માટે થઈ રહી હોવાનો પણ તેવો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે. તેથી ભાડભુત યોજનાના ખાતર્મુહત પ્રસંગે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીમાં બોટોમાં ઉમટી આવી કાળા વાવટા દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભાડભુત બેરેજ યોજનાથી ભરૂચ જિલ્લાને મીઠા પાણી સહિત અન્ય લાભો થશે
બહુઆયામી ભાડભૂત બેરેજ યોજનાનાં લાભો સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહ્યા છે. તેમાં ૨૧,૦૦૦ મિલિયન ઘનફૂટ મીઠા પાણીનો સંગ્રહ, છ માર્ગીય પુલ થવાથી દહેજ - હાંસોટ - સુરત વચ્ચેના માર્ગ અંતરમાં આશરે ૧૮ કિ.મી.નો ઘટાડો, નર્મદા નદીમાં બેરેજથી શુક્લતીર્થ સુધીના વિસ્તારમાં ખારાશની સમસ્યાનો હલ તેમજ ભૂગર્ભજળની ગુણવત્તામાં સુધારો, ૨૦ કિ.મી. લાંબો પૂરસંરક્ષણ પાળો બનવાથી આ વિસ્તારમાં નર્મદા નદીના બંને કાંઠાની ખેતીલાયક જમીનોની ધોવાણની સમસ્યાનો અંત, આવશે.
Loading ...