રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, અધિકારીઓ સામે પગલાં લો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   1980

સુરતનાં ધારાસભ્યોએ ચોમાસાની મુખ્ય સમસ્યા સમાન રસ્તાનાં ખાડાં, ભૂવા, ટ્રેન્ચ બેસી જવાનાં તેમજ રસ્તા તૂટી જવાનાં બનાવો અંગે મહાનગર પાલિકાની સંકલન બેઠકમાં ઉગ્ર રજૂઆતો કરીને સાચા અર્થમાં પ્રજાનાં પ્રતિનિધિ હોવાની ફરજ બજાવી હતી. સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યોની સંકલન બેઠકમાં આજે સંદિપ દેસાઇ, કુમાર કાનાણી અને મનુ ફોગવા સહિતનાં ધારાસભ્યોએ તૂટેલાં રસ્તાઓ, ટ્રેન્ચ બેસી જવાનાં બનાવોમાં જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓ સામે પગલાં લેવાં ઉપરાંત કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની ભારપૂર્વક રજૂઆતો કરી હતી.

સુરત મહાનગર પાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનાં રસ્તાઓ કાર્પેટ-રીકાર્પેટ કરે છે જેમાં મુખ્યત્વે ૧૦થી ૧૨ મોટા રોડકોન્ટ્રાક્ટરો ટેન્ડર મેળવીને કામ કરતાં હોય છે. ડીસ્કાઉન્ટેડ રેટથી રસ્તાનાં કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટરોની કામગીરી એટલી હદે નબળી હોય છે અને રોડ મટીરિયલ પણ હલકી ગુણવત્તાનું હોય છે કે, નવો બનાવેલો રસ્તો પ્રથમ ચોમાસાનો માર પણ સહન કરી શકતો નથી. ડીફેક્ટ લાયેબિલિટી પીરિયડમાં રસ્તાઓ તૂટી જવાનાં બનાવો બન્યાં છે. બે વર્ષમાં આવા કુલ ૪૭ રસ્તાઓ તૂટી ગયાં હતાં. ગત વર્ષે ૧૦ કોન્ટ્રાક્ટરોને કુલ ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારીને કમિશનરે સંતોષ માનતાં કોન્ટ્રાક્ટરોને ફાવતું મળી ગયું હતું. આજ દિન સુધી નબળી કામગીરી કરનાર એક પણ રોડ કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલ કમિશનરે બ્લેકલિસ્ટ કર્યો નથી. પરંતુ આજે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ નબળી ગુણવત્તાવાળા રોડ બનાવનાર, પાણી-ગટરનાં કામો પછી ટ્રેન્ચ બેસી જાય તેવી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની અને મહાનગર પાલિકાનાં અધિકારીની જવાબદારી ફિકસ કરવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજનને કરી હતી. ધારાસભ્ય સંગીતા પાટિલે પણ વરસાદમાં રસ્તા તૂટવાની સર્જાતી સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવા કમિશનરને કહ્યું હતું તે અંગે કમિશનરે પણ બાંયધરી આપી હતી. તો સાંસદ પરભુ વસાવાએ પણ પહેલાં વરસાદમાં રસ્તા તૂટવાનાં તથા ભૂવા પડવાનાં બનાવો ના બને તે માટે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમનાં મતવિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ડોર ટુ ડોરની કચરાગાડી કચરો લેવા નહીં આવતી હોવાની પણ રજૂઆત કરી હતી.

ગેરકાયદે બાંધકામ મુદ્દે પગલાં નહીં લો તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી કુમાર કાનાણીનું સંકલન બેઠકમાંથી વોકઆઉટ

સુરત મહાનગરપાલિકાની ધારાસભ્યોની મળેલી સંકલન બેઠકમાં વરાછા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા સાથે ઉપવાસ પર બેસી જવાની ચીમકી આપી સંકલન બેઠકમાંથી વોકઆઉટ કરીને નીકળી ગયા હતા. જાે કે ૧૫ મિનિટ સુધી અધિકારીઓએ કરેલાં મનામણાંનાં ડ્રામા બાદ કુમાર કાનાણી ફરીથી સંકલન બેઠકમાં બેઠાં ખરાં પરંતુ ગેરકાયદે બાંધકામ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવા સાથે અધિકારીઓને આડે હાથ લીધાં હતાં. સુરત મહાનગર પાલિકાની ધારાસભ્યો સાથેની માસિક સંકલન બેઠક બપોરે ૧૨:૦૦ વાગે મળી હતી. જેમાં એક સાંસદ તથા અન્ય સાત ધારાસભ્યો હાજર રહ્યાં હતા. આ સંકલન બેઠકમાં વરાછા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય કુમાર કાનાણીએ ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે ધમાલ મચાવી હતી. કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી કે વરાછા સહિત અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. રેસિડેન્શિયલ વિસ્તારોમાં ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે અને આ મામલે પાલિકાનાં અધિકારીઓ પણ ખોટા જવાબો આપે છે. તેમણે એકદમ ઉશ્કેરાઈને રજૂઆત કરી હતી કે જાે દર વખતે સંકલન બેઠકમાં આ જ રીતે વારંવાર રજૂઆતો કરવાની હોય તો અમારી રજૂઆતનો કોઈ મતલબ રહેતો નથી. અધિકારીઓ પણ અમને ગાંઠતા નથી. જાે ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ઉપવાસ પર બેસી જાઉ છું તેમ કહીને કુમાર કાનાણીએ સંકલન બેઠકમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા. જેના કારણે સંકલન બેઠકમાં ભારે ધમાલ મચી જવા પામી હતી. તાત્કાલિક પાલિકાનાં ડેપ્યુટી કમિશનર સહિતનાં પાંચ અધિકારીઓએ સભાની બહાર નીકળી ૧૫ મિનિટ સુધી કુમાર કાનાણીને મનામણાં કરતાં ફરીથી તેઓ સભામાં બેઠા હતા. જાે કે તેમણે ફરીથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે નાના વરાછા વિસ્તારમાં ગામતળમાં આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે બાંગ્લાદેશી વસાહત બની ગઈ છે. જેથી તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરનાં સણીયા હેમાદ વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાં પણ અનેક મિલકતોમાં ગેરકાયદે બાંધકામ થયું છે અને કોટેજ ઇન્ડસ્ટ્રીયલના નામે પણ ગેરકાયદે બાંધકામ થયું છે જેની સામે પણ પગલાં લેવાની માગ કરી હતી.

નાસિરનગરમાં કોઈ અધિકારી સામે એફઆઈઆર કેમ નહીં : વિનુ મોરડીયા

નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનનો મુદ્દો આજની સંકલન બેઠકમાં પણ ઉઠ્યો હતો. એકતરફ હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાધીશો તેમજ પોલીસ કમિશનરનાં વલણ સામે આકરૂ વલણ દાખવ્યું છે ત્યારે ભાજપનાં જ બે ધારાસભ્યો કુમાર કાનાણી અને વિનુ મોરડિયાએ નાસિરનગર મુદ્દે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બહુચર્ચિત નાસિરનગર મુદ્દે પણ સંકલન બેઠકમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને આડેહાથ લીધાં હતાં. તેમણે કમિશનરને સંબોધીને કહ્યું હતું કે શહેરમાં નાસિરનગરમાં આટલું મોટું ડીમોલિશન થઈ જાય અને તમે એવો જવાબ આપો કે અમને ખબર નથી તે કેવી રીતે ચાલે? તેમની વાતમાં સૂર પુરાવતા ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ જણાવ્યું હતું કે નાસિરનગરમાં કેટલાય લોકો ઘર વગરનાં થઇ ગયા અને અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવાથી શું થાય? હજી સુધી આ મામલે કેમ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી તેવો વેધક સવાલ વિનુ મોરડિયાએ કરીને ફરી એકવાર રાજકારણમાં ગરમાટો લાવવાનો પ્રયાસ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં જ મોટામાથાએ નાસિરનગરનાં ડીમોલિશનની સોપારી લીધી હતી અને ડીમોલિશન થયું તે પછી વિનુ મોરડિયાએ સવાલો ઉઠાવ્યાં હતાં પરંતુ કોઇ કારણસર તેમણે પોતાની શાબ્દિક તલવાર મ્યાન કરી દેતાં તેમનાં વલણ અંગે પણ અટકળો થઇ રહી હતી પરંતુ આજે સંકલન બેઠકમાં ફરી વિનુ મોરડિયાએ તલવાર ખેંચતાં ભાજપનું આંતરિક રાજકારણ ગયમાયું છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution