જુહાપુરામાં રિક્ષા ખસેડવાની તકરારમાં બે પડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   3168

શહેરના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા સંકલિતનગર વિસ્તારમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે થયેલી આ તકરારમાં લોખંડની પાઇપ અને લાકડાના દંડા વડે હુમલો કરવામાં આવતા બંને પક્ષે ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના પગલે વેજલપુર પોલીસે સામસામે ફરિયાદો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

પ્રથમ ફરિયાદમાં મોહમ્મદ આરીફ શેખે જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા હટાવવાનું કહેતા અરમાન ચૌહાણ અને તેના પિતા સલીમ ચૌહાણ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં આવીને સલીમ ચૌહાણે લોખંડની પાઇપ વડે આરીફના ભાઈ અબ્દુલ કરીમના માથામાં ગંભીર ઘા માર્યો હતો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. આ હુમલામાં અસ્ફાનખાન પઠાણ અને અલ્ફિયાખાન પઠાણે પણ જાેડાઈને પરિવારના સભ્યોને ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.બીજી તરફ, અરમાન સલીમભાઈ ચૌહાણે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, રિક્ષા હટાવવાની વાત પર મોહમ્મદ આરીફ અને તેના પરિવારે અચાનક ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ ઝઘડામાં કરીમ શેખે ક્યાંકથી લાકડાનો દંડો લઈ આવી અરમાનના માથાના ભાગે ફટકાર્યો હતો, જેનાથી તેને માથામાં ઈજાઓ થઈ હતી.આ તકરારમાં આરીફના પિતા કેયુમભાઈ અને માતા ખાતુનબીબીએ પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.આ હિંસક ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૫૪ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વી. જે. કામળિયાએ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution