અલકનંદા નદીમાં બસ ખાબકી,બેનાં મોત, ૧૦થી વધુ ગુમ, અનેકને ઈજા
26, જુન 2025 2970   |  


અલકનંદા, ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. આ એક ટેમ્પો ટ્રાવેલર મિની બસ હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના મુસાફરો સામેલ હોવાની જાણકારી મળી છે. આ મિની બસમાં કુલ ૨૦ મુસાફરો સવાર હતા, જેમાંથી ૨ લોકોના મોત થયા છે, એક મૃતક ગુજરાતની ડ્રીમી સોની જણાવાયું છે. જ્યારે હજુ ૮ લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ ગુજરાતીઓ સામેલ છે. માહિતી અનુસાર ૧૦ લોકોની કોઈ હજુ કોઈ ભાળ મળી નથી, જેમાં બે ગુજરાતી સામેલ છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા.

સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા ઇશ્વરભાઇ સોની જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા કરવા માટે નીકળ્યા હતા. મળતી માહિતી મુજબ, પહાડો પર ખરાબ હવામાન અને વરસાદના કારણે નદીનો પ્રવાહ ખુબ તેજ હતો. ઘટનાની સૂચના મળતા જ એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન માટે પહોંચી ગઈ છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરાયું હતું. નદીના તેજ પ્રવાહના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ સમસ્યા આવી હતી. ઘટના અંગે જાણકારી આપતા ઉત્તરાખંડ પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ થઈને અલકનંદા નદીમાં પડી છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ બસમાં ૧૮ લોકો હતા. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

મૃતકોમાં કોણ કોણ સામેલ?

• ડ્રીમી સોની, ૧૭ વર્ષ, સુરત

• વિશાલ સોની, ૪૨, મધ્ય પ્રદેશ

ઈજાગ્રસ્તોમાં કોણ કોણ સામેલ?

• દિપીકા સોની, ૪૨ વર્ષ, રાજસ્થાન

• હેમલતા સોની, ૪૫ વર્ષ, રાજસ્થાન

• ઈશ્વર સોની, ૪૬ વર્ષ, ગુજરાત

• અમિતા સોની, ૪૯ વર્ષ, મહારાષ્ટ્ર

• ભાવના સોની, ૪૩ વર્ષ, ગુજરાત

• ભવ્ય સોની, ૭ વર્ષ, ગુજરાત

• પાર્થ સોની, ૧૦ વર્ષ, મધ્ય પ્રદેશ

• સુમિત કુમાર, ૨૩ વર્ષ, ડ્રાઈવર,

ગુમ થયેલા લોકોના નામ

• રવિ ભાવસાર, ૨૮ વર્ષ, ઉદયપુર, રાજસ્થાન

• મૌલી સોની, ૧૯ વર્ષ, સુરત, ગુજરાત

• લલીત કુમાર સોની, ૪૮ વર્ષ, રાજસ્થાન

• ગૌરી સોની, ૪૧ વર્ષ, મધ્ય પ્રદેશ

• સંજય સોની, ૫૫ વર્ષ, ઉદયપુર, રાજસ્થાન

• મયૂરી, ૨૪ વર્ષ, સુરત, ગુજરાત

• ચેતના સોની, ૫૨ વર્ષ, રાજસ્થાન

• ચેષ્ઠા, ૧૨ વર્ષ, સુરત, રાજસ્થાન

• કટ્ટા રંજના અશોક, ૫૪ વર્ષ, મહારાષ્ટ્ર

• સુશીલા સોની, ૭૭ વર્ષ, રાજસ્થાન

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution