રાજકોટના ગોંડલ નજીક બસ પલટી, બે મહિલાના મોત, ૫ાંચની હાલત નાજુક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1782

રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે ધાર્મિક પ્રવાસે નીકળેલા શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી જતાં પરિવારના બે મહિલા સભ્યો (સાસુ-વહુ) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે એક ખાનગી બસ બગદાણા, ઊંચા કોટડા, રાજપરા અને ભગુડા જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ઉપડી હતી. તમામ પવિત્ર ધામોના દર્શન કરીને પરત ફરી રહેલી આ બસ સોમવારે પરોઢિયે આશરે ૪:૩૦ વાગ્યે વોરા કોટડાથી બાંદરા જવાના સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રકને જગ્યા આપવા માટે બસ ચાલકે વાહનને રિવર્સમાં લીધું હતું. સિંગલ રોડ હોવાના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડ કિનારે આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.અકસ્માત સમયે બસમાં માસૂમ બાળકો, મહિલાઓ અને વયસ્ક શ્રદ્ધાળુઓ સહિત કુલ ૬૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારના અંધકારમાં અચાનક બસ પલટી જતાં મુસાફરોની ચીસાચીસથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક બચાવ રાહત માટે દોડી આવ્યા હતા અને બસના કાચ તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.ઇમરજન્સી સેવાઓ અને પોલીસ પ્રશાસન પણ ત્વરિત એક્શનમાં આવ્યું હતું. ૧૦૮ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સો મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ૫ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution