આત્મરક્ષણ શીખવવાના બહાને વિશ્વાસઘાતી શિક્ષક પ્રત્યે નરમ વલણ દાખવી શકાય નહીં : કોર્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   1881

 શહેરના રામોલ વિસ્તારમાં આવેલી એકલવ્ય વિદ્યા વિહાર સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થિનીઓનું માનસિક શોષણ કરવાના ચકચારી કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો જજ અસ્મિકાબેન ભૂપેન્દ્રકુમાર ભટ્ટે પદ અને સત્તાનો દુરુપયોગ કરનાર ૨૦ વર્ષીય કરાટે ટીચર ચક્રેશ ઉર્ફે આર્યા દુબેને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫ હજારના દંડની સજા ફટકારી છે. અદાલતે દંડની રકમમાંથી રૂ. ૨૪ હજાર તમામ પીડિત બાળકીઓ વચ્ચે વળતર પેટે સરખે ભાગે વહેંચવાનો આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આત્મરક્ષણ શીખવવાના બહાને પવિત્ર વિશ્વાસનો ભંગ કરનાર શિક્ષક પ્રત્યે નરમ વલણ દાખવી શકાય નહીં. નવેમ્બર ૨૦૨૩માં દિવાળીના તહેવારો પહેલાં રામોલની એકલવ્ય સ્કૂલમાં આરોપી ચક્રેશ દુબે વિદ્યાર્થિનીઓને કરાટે ક્લાસના બહાને સ્કૂલના બેઝમેન્ટમાં લઈ જતો હતો. ત્યાં કરાટેની ટ્રેનિંગ આપવાને બદલે તે પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરીને અથવા ગેલેરીમાંથી માસૂમ બાળાઓને અત્યંત અશ્લીલ અને આપત્તિજનક પોર્નોગ્રાફિક વીડિયો તથા ફોટા બતાવતો હતો. આટલું જ નહીં, નરાધમ શિક્ષક બાળકીઓને ધમકી આપતો હતો કે જાે આ વાત તેઓ કોઈને પણ અથવા ઘરે માતા-પિતાને કહેશે, તો તેમને કરાટે ક્લાસમાંથી કાઢી મૂકશે અને સ્કૂલમાંથી પણ કઢાવી મૂકવામાં આવશે.આ માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ જીવતી ધો.૫માં ભણતી કેટલીક વિદ્યાર્થિનીઓએ અપ્રતિમ હિંમત દાખવી હતી. બાળકીઓએ આ અંગે તેમના ક્લાસ ટીચર ઉષાબેન શર્માને સમગ્ર આપવીતી કહી સંભળાવી હતી. શિક્ષિકાએ તુરંત સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી અને મામલો વાલીઓ સુધી પહોંચ્યો હતો. ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઉશ્કેરાયેલા વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલે દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પીડિતાની માતાની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધી નરાધમ શિક્ષકની ધરપકડ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ કે.જી. જૈને રજૂઆતો કરી હતી. સરકારી પક્ષે કોર્ટ સમક્ષ ૧૮ સાક્ષીઓ અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત હ્લજીન્ના રિપોર્ટમાં પણ આરોપીના મોબાઈલની મેમરીમાંથી ૧૫૪ જેટલા અશ્લીલ ફોટા મળી આવ્યા હતા, જે કોર્ટમાં મુખ્ય પુરાવો બન્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને મહત્તમ સજા કરવાની માગ કરી હતી.

શિક્ષકનું કામ નૈતિક વિકાસનું છે, નુકસાન પહોંચાડવાનું નહી : અદાલત

સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપતા ગંભીર નોંધ લીધી હતી કે, “શિક્ષકનું કામ બાળકોને સુરક્ષા આપવાનું અને તેમનો નૈતિક વિકાસ કરવાનું હોય છે, નહીં કે તેમની માનસિકતાને નુકસાન પહોંચાડવાનું. કરાટે જેવા આત્મરક્ષણના ક્લાસમાં શિક્ષકે પવિત્ર વિશ્વાસનો ભંગ કર્યો છે, જેને જરાય હળવાશથી લઈ શકાય નહીં.” આ સાથે જ કોર્ટે ન્યાયના હિતમાં પીડિત બાળકીઓની બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution