મહાબળેશ્વર નજીક ખીણમાં કાર ખાબકી :૮નાં ઘટનાસ્થળે મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1881


મહારાષ્ટ્ર, તા.૨૫

મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના ૮ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ખીણ અતિશય ઊંડી હોવાના કારણે દૂરબીનની મદદથી મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત રાયગઢના આંબેનલી ઘાટ પર રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ વહેલી સવારે આશરે ૨:૪૫ વાગ્યે સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની છે. આ તમામ યુવકો કોંકણના હરણાઈ બીચથી ફરીને વહેલી સવારે પોલાદપુર માર્ગ થઈને સતારા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતાં કાર સીધી ઊંડી ખીણમાં પડી ભાંગી હતી.

આ અકસ્માત એ જ જગ્યાની આસપાસ થયો છે, જ્યાં વર્ષ ૨૦૧૮માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી અને મોટો હોબાળો મચ્યો હતો. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેએ જણાવ્યું કે, વહેલી સવારે અંધારામાં કાર પરથી કાબૂ ગુમાવવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution