પશુઓનું ટેગિંગ, ગેરકાયદે ઢોરવાડા સીલ કરાયા છતાં રખડતાં ઢોરોની સમસ્યા યથાવત્‌
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ડિસેમ્બર 2022  |   9801

વડોદરા, તા.૧૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે છેલ્લા ૪ વર્ષ દરમ્યાન ૧૧ હજારથી વધુ પશુઓ પકડી,રસ્તા પર પશુ છોડનાર ગૌપાલકો સામે ૬૭૨ પોલીસ ફરિયાદ અને ૪૪૭૭ પશુઓને પકડીને પાંજરાપોળ શિફ્ટિંગ કરી પશુપાલકો પાસેથી ૭૩.૯૮ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. તેમ છતાં વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ફરી પશુઓના ટોળા જાેવા મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાલિકા તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦ માં ૨૭૨૧ જેટલા પશુઓ પકડી ૯૧ પોલીસ ફરિયાદ અને ૧૭.૩૨ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ માં ૨૧૨૭ પશુઓ પકડી ૧૩૯ પોલીસ ફરિયાદ અને ૧૬.૪૨ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૧- ૨૦૨૨ માં ૪૬૩૮ ડેટલા રખડતા પશુઓને પકડી ૩૫૬ પોલીસ ફરિયાદો તેમજ ૩૨.૦૩ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર મહિના દરમિયાન ૧૯૦૬ જેટલા પશુઓને પકડી ૮૬ પોલીસ ફરિયાદ અને ૭.૯૪ લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે.ઉપરાંત વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯ માં ૫૬૬૫ તથા વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ માં ૯૮૨૩ પશુઓનું ડોર ટુ ડોર એનિમલ ટેગીંગ કરવામાં આવ્યું છે. જ્યારે ઢોર ડબ્બામાં ટેગીંગ કરેલ પશુઓની સંખ્યા ૨૮ હજાર ઉપરાંત છે. કોર્પોરેશનને અત્યાર સુધીમાં ૮૨ પશુપાલકોની અટકાયત સાથે બે પશુપાલકો સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હોંવાનુ પણ જાણવા મળે છે.

જ્યારે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા ૧૬ ઢોરવાડા સીલ કરી ૧૯ તોડી પાડ્યા છે. જ્યારે રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. આવા સમયે પોલીસને ટેગીંગ નંબરના કારણે છ ગુના ડિટેક્ટ કરવાની પણ સફળતા મળી છે. રખડતા પશુ પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટી ઉપર હુમલા થવાના બનાવો પણ બને છે.

 જે સંગર્ભે પાલિકાએ ૧૨ પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.આટલી કાર્યવાહી છતા શહેરના અનેક વિસ્તારોમાં હજી રખડતા ઢોરોની સમસ્યા યથાવત છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution