દિલ્હી-

કોરોના વાયરસનાં મહાસંકટ વચ્ચે દેશમાં રસીકરણનું કામ ચાલી રહ્યું છે. જુદા જુદા રાજ્યોમાં રસી ન હોવાને કારણે રસીકરણનું કામ ધીમું થઇ ગયુ છે. શુક્રવારે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારની રસીની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે આ સૌથી મોટી સમસ્યા છે. 


કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ સમસ્યાને વધુ વિકટ બનાવી રહી છે - જે ભારત સહન નહી કરી શકે. કેન્દ્રએ રસી ખરીદવી જોઈએ અને વિતરણની જવાબદારી રાજ્યોને આપવી જોઈએ. આપને જણાવી દઈએ કે, ઘણા રાજકીય પક્ષોએ રસી નીતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. થોડા દિવસો પહેલા, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વિદેશથી આ રસી ખરીદવી જોઈએ, જેથી દેશમાં આપણને રસી સરળતાથી મળી શકે. આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી સતત વેક્સીન નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ગત દિવસોમાં પણ તેમણે વડપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. રાહુલ સિવાય વિપક્ષનાં અન્ય ઘણા નેતાઓએ કોંગ્રેસનાં નેતૃત્વમાં વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને ઝડપી અને તેને વિના મૂલ્યે ચલાવવા અપીલ કરી હતી.