વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલી ટ્રકમાં રોકડાં ૪૦ લાખ મળતા ચકચાર
21, ડિસેમ્બર 2022 1188   |  

વડોદરા, તા. ૨૦

મહિસાગર નદીના કિનારે જંબુસર-બોરસદ હાઈવે પર મુજપુર ચેક પોસ્ટ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોખંડની એંગલોની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થા સાથે રોકડા ૪૦ લાખ ઝડપી પાડ્યા હતા.

દારૂનો જથ્થો તેમજ રોકડ પેટલાદના દંતેલીના બુટલેગર રામુ પટેલને પહોંચાડવાની પ્રાથમિક વિગતોના પગલે પોલીસે ટ્રકચાલક સહિત ત્રણની રૂપિયા ૬૩ લાખથી વધુની મત્તા સાથે ધરપકડ કરી રામુને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા એલસીબીની ટીમે ગઈ કાલે પાદરા તાલુકાના મુજપુર ગામની સીમમાં જંબુસર-બોરસદ હાઈવે રોડ પર મુજપુર ચેકપોસ્ટ પર જિલ્લા એસઓજીની ટીમ સાથે વાહનચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન મહુવડચોકડી તરફથી આવેલી લોખંડની અંગેલો ભરેલી ટ્રકમાં તપાસ કરતા તાડપત્રી પરથી પુઠ્ઠાના બોક્સમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૪૦ હજારથી વધુની કિંમતની કુલ ૩,૬૩૬ બોટલો મળી હતી. વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થા સાથે ટ્રકમાં ઝડપાયેલા ડ્રાઈવર બિસ્મીલ્લાખાન મહંમદખાન પઠાણ, મહંમદરફીક સફી મહંમદ મલેક અને અલ્તાફ નસરુલ્લાખાન પઠાણ (રાજા મોહલ્લો, પઠાણવાડા, બોરસદ)ની પોલીસે ધરપકડ કરી હતી. ટ્રકમાં તપાસ કરતા ડ્રાઈવર સીટની પાછળ પ્લાસ્ટીકની થેલીમાં ખાખી બોક્સમાંથી રોકડા ૪૦ લાખ રૂપિયા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી.

ટ્રકચાલકે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો મહારાષ્ટ્રના જલગાવ તાલુકાના વરણગામના એક ઠેકા પરથી સરદાર નામના સપ્લાયરે ભરી આપ્યો હતો તેમજ રૂપિયા છત્તીસગઢના રાયપુર ખાતેથી ગડાકુ ફેકટરીના શર્મા નામના મેનેજરે આપ્યા હતા. તેઓએ દારૂ અને રોકડા નાણાં રમેશ ઉર્ફ રામુ ડાહ્યાભાઈ પટેલ (દંતેલી, તા,પેટલાદ,આણંદ)ને આપવા માટે જણાવ્યું હતું. આ વિગતોના પગલે પોલીસે ટ્રકચાલક સહિતની ત્રિપુટીની ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ, રોકડ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત ૬૩ લાખથી વધુની મત્તા કબજે કરી રમેશ પટેલ અને સરદારને વોન્ટેડ જાહેર કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution