પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાયનું ટેન્ડર પાસ થયાનો બોગસ ઓર્ડર મોકલાવી ૬.૯૯ કરોડનું ચીટિંગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026  |   2277

પશ્ચિમ બંગાળની શાળાનાં વિદ્યાર્થીઓ માટે શૂઝ સપ્લાય કરવાનું ૩૬ કરોડનું ટેન્ડર પાસ કરાવી આપ્યાનું કહી સુરત મનપાની શિક્ષણ સમિતિનાં પૂર્વ સભ્ય કિશોર વાઘેલા સહિતની ટોળકીએ વેપારી સાથે ૬.૯૯ કરોડનું ચીટિંગ કર્યું હતું. આ ટોળકીએ ટેન્ડર મંજુર કરાવ્યાના કમિશન પેટે ૨.૪૯ કરોડ પડાવ્યાં જ્યારે ૪.૫૦ કરોડનાં એક લાખ જાેડી શૂઝ પણ મેળવી લીધા હતાં. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર મોટાવરાછામાં યમુના ચોક પાસે ક્રિષ્ના ટાઉનશીપમાં પ્રવીણ ભગવાનભાઈ ધડુક તેમના પરિવાર સાથે રહે છે. પ્રવિણ ડ્રીમલેન્ડ શૂઝ નામથી સરકારી અર્ધ સરકારી શાળા, કચેરીઓમાં શૂઝ સપ્લાય કરે છે. તેમણે વર્ષ ૨૦૧૩-૧૪માં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં શૂઝ સપ્લાય કર્યા હતાં. એ સમયે શિક્ષણ સમિતિનાં ખરીદ સમિતિનાં કન્વીનર કિશોર વાઘેલા સાથે તેમનો પરિચય થયો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૩માં વાઘેલાએ પ્રવિણભાઇ ધડુકને તેમના ઘરે બોલાવ્યા હતાં. જ્યાં વાઘેલાએ ધડુકની ઓળખાણ સીમીસ સુબ્રમણ્યમ નોચીલ સાથે કરાવી હતી. ધડુકને એવું કહેવાયું હતું કે, સીમીસનાં પશ્ચિમ બંગાળ સરકારમાં સારા એવા કોન્ટેક્ટ છે. અધિકારીઓ સાથે તેમની ઉઠક બેઠક હોય ત્યાંની શાળાઓમાં શૂઝ સપ્લાયનો ઓર્ડર તમને અપાવી શકે એમ છે. સારુ અને મોટુ કામ મળે એમ હોય ધકુડે હા પાડી હતી. ત્યારબાદ વાઘેલા અને સીમીસે ધડુકને એવું કહ્યું હતું કે, આનંદધારા પ્રોજેક્ટ હેઠળ વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન નામથી સરકારી શુઝનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર ૩૬ કરોડનું છે. ટેન્ડરને લગતુ કામ જેમની પાસે છે એ અધિકારીઓ સાથે મારે સેટિંગ છે. તમે આ ટેન્કર લેશો તો ઘણો આર્થિક લાભ થશે. જુના સંબંધનાં કારણે તેમની વાતમાં આવી ગયેલા ધડુકે ટેન્ડરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

થોડા સમય બાદ સીમીસ નોચીલે સાયન સેન, સુભાશીષસિંગ, ઇન્દ્રજીત સેનગુપ્તા તથા સંજીવ ભાઇ વિગેરે સાથે ધડુકને વાતચીત કરાવી હતી. બાદમાં તેઓએ ધડુકને તમારું ટેન્ડર પાસ થઇ ગયું હોવાનું કહેવા સાથે એના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતાં. ટેન્ડર પાસ થતાં ધડુકે જુદી જુદી સાઇઝનાં શૂઝ તૈયાર કરાવવા વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો. બીજી તરફ કિશોર વાઘેલા એન્ડ કંપનીએ ટેન્ડર પાસ કરાવી આપ્યું એ બદલ કમિશન પેટે ધડુક પાસેથી ૨.૪૦ કરોડ રૂપિયા લઇ લીધા હતાં.

સાથે જ ધડુકે વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ ૧,૦૦,૦૦૮ જાેડી શૂઝ બંગાળ મોકલી પણ આપ્યા હતાં. ૪.૫૦ કરોડનાં શૂઝ મોકલ્યા છતાં ધડુકને બંગાળ સરકાર તરફથી પેમેન્ટ પેટે એક રૂપિયો પણ અપાયો ન હતો. ટેન્ડર અપાવી શૂઝ મેળવનારાઓ સાથે આ અંગે વાત કરાઇ તો તેમણે સરકારી કામ છે, થોડી વાર તો લાગશે જ એમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. આનાથી શંકા જતાં ધડુકે બંગાળ સરકારમાં તપાસ કરાવી હતી. જેમાં સરકારે આવું કોઈ ટેન્ડર બહાર પાડ્યું નથી એવો જવાબ આવતા ધડુક ચોંકી ઉઠ્યા હતાં.

બાદમાં તેઓએ પોલીસનો સંપર્ક સાધી ચીટિંગ કરનારી કિશોર વાઘેલા એન્ડ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કિશોરકુમાર રામુભાઈ વાઘેલા (ઉ.વ.૫૫ રહે-એ/૧૩, ભાગ્યનગર સોસાયટી, ભિક્ષુક ગૃહ પાસે, રામનગર, રાંદેર સુરત. વતન-જાળીયા, તા.પાલીતાણા, જિ.ભાવનગર) તથા મૂળ કેરળનાં વતની એવા સીમીસ સુબ્રમણ્યમ નોચીલ (ઉ.વ.-૫૦ રહે.-ડી/૩૩, શાંતિવન રેસીડેન્સી, ડીંડોલી ખરવાસા રોડ, ડીંડોલી)ની ધરપકડ કરી છે.

ધડુકને કોલકાતા લઇ જઇ અધિકારીઓ સાથે મીટિંગ કરાવી ૧૬% કમિશન નક્કી કર્યું હતું

વીર નર્મદ યુનિવર્સિટીમાં સીન્ડિકેટ સભ્ય પણ રહી ચૂકેલા કિશોર વાઘેલાએ ભાગીદાર તરીકે ઓળખાણ કરાવી હતી એ સીમીસ નોચીલ ટેન્ડરના કામ માટે ધડુકને કોલકત્તા પણ લઇ ગયો હતો. ૬ માર્ચ, ૨૦૨૩ના રોજ કોલકત્તામાં ધકુડને અધિકારીઓનાં લાયઝનિંગ પર્સન તરીકે સાયન સેન સાથે મૂલાકાત કરાવાઇ હતી. સાયન સેન તેમને આનંદઘારા, વેસ્ટ બંગાળ સ્ટેટ રૂરલ લાઇવલીહુડ મિશનની ઓફિસે લઇ ગયો હતો. જ્યાં સુભાષીષ સિંઘની ઓળખાણ ગવર્મેન્ટ સંબંધિત વિભાગનાં મુખ્ય અધિકારી તરીકેની કરાવાઇ હતી. તેમની સાથે ટેન્ડર સંબંધે વાત કરી ધડુક પરત આવી ગયા હતાં. ત્યારપછી ૧૫મી માર્ચે ફરી તેમનો કોલકાતા બોલાવ્યા હતાં. એ સમયે ટેન્ડર, સપ્લાય તથા કમિશન બાબતે વાત કરાઇ હતી. જેમાં તેઓએ ટેન્ડરની કુલ કિંમતના ૧૬% કમિશન પેટે આંગડિયા મારફતે ઇન્દ્રજીતને ચૂકવવા કહેવાયું હતું. જેમાં ૮% કમિશન વર્કઓર્ડર આપતી વખતે તેમજ બાકીના ૮% ઓર્ડરના નાણાં આવ્યેથી ચૂકવવાનું નક્કી કરાયું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution