06, જુલાઈ 2025
બોડેલી |
2079 |
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સૂચના અનુસાર દર વર્ષે તમામ શાળાઓમાં બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ બહાર કાઢવા માટે તથા જીવન જરૂરી કૌશલ્યો શીખવા માટે બાળમેળો તથા લાઈફસ્કીલ મેળો યોજવામાં આવે છે. જે અંતર્ગત બોડેલી કન્યાશાળામાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની ધોરણ એક થી આઠ ની બાળાઓએ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો. જેમાં ધોરણ ૧ થી ૫ ની વિદ્યાર્થીનીઓએ બાળવાર્તા ,માટીકામ ,ચિત્રકામ , રંગ પૂરણી,કાગળ કામ , વેશભૂષા , વેસ્ટ માંથી બેસ્ટ વગેરે જેવી એક્ટિવિટીમાં ભાગ લીધો અને ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ ફ્યુઝ બાંધવો , સ્ક્રુ લગાવવો , કૂકર બંધ કરવું ,ખીલી લગાવવી , શરીરની સ્વચ્છતા ,હાથ પર મહેંદી લગાવવી , રંગોળી બનાવવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, હેર સ્ટાઈલ બનાવવી , આપત્તિ વ્યવસ્થાપનની સમજૂતી, ફૂલ પાન દ્વારા શણગાર , આનંદ મેળા દ્વારા વસ્તુ વેચાણ સ્ટોલ વગેરે જેવી એક્ટિવિટીમાં ભાગ લીધો. આનંદ મેળામાં અલગ અલગ ૧૭ જેટલા ફૂડ સ્ટોલ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ વિદ્યાર્થીનીઓ પોતાના ઘરેથી બનાવીને લાવી હતી અને આવેલ મહેમાનો વાલીઓ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પૈસા આપીને સ્ટોલ પરનું ફૂડ લીધું હતું અને તેની લજ્જત માની આવેલ અધિકારીગણ તથા વાલીઓએ પણ વિદ્યાર્થીનીઓની અને શાળાના શિક્ષકોની મહેનતની ખૂબ પ્રશંસા કરી હતી. શાળાના ત્રણ શિક્ષિકા બહેનો હર્ષાબહેન , કીર્તિકાબહેન અને કલ્પનાબહેને પણ ફૂડ સ્ટોલમાં ભાગ લઈને વિદ્યાર્થીનીઓનો ઉત્સવ વધાર્યો હતો.શાળાની મોટાભાગની છોકરીઓએ અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો અને તેને જાેવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતભાઈ પરમાર, ડાયટ છોટાઉદેપુર પ્રાચાર્ય ભુપેન્દ્રભાઈ સોલંકી, બી.આર.સી બોડેલી વિશાલભાઈ પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ, બોડેલી ગૃપાચાર્ય હર્ષદભાઈ વરિયા, બોડેલી સી.આર.સી નગીનભાઈ રાઠવા, જબુગામ સી.આર.સી અને વાલી શંકરભાઈ રાઠવા સહિત એસએમસીના સભ્યો ,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામ એક્ટિવિટી નિહાળી હતી અને ખૂબ પ્રશંસા સાથે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે આવેલ અધિકારીગણે શાળાના આચાર્ય સંદીપભાઈ જયસ્વાલ અને તેમના તમામ સ્ટાફને સુંદર રીતે બાળમેળો ઉજવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.