લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
2871
આજના સમયમાં બાળકોમાં વધતી મોબાઈલ અને ડિજિટલ લત માતા-પિતાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. આ પરિસ્થિતિમાં બાળકોને મોબાઈલ સ્ક્રીનથી દૂર લઈ જઈને તેમને મેદાનમાં રમતો પ્રત્યે પ્રેરિત કરવા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ‘ચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટ’નું અનોખું આયોજન સેક્ટર-૨૯ સ્થિત જલારામ મંદિર પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સવારે ૭ વાગ્યાથી શરૂ થયો હતો અને તેમાં મોટી સંખ્યામાં બાળકો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાપટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૨ થી ૧૪ વર્ષના બાળકો અને તેમના માતા-પિતાને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર લઈ જઈને રમતગમત, શારીરિક સક્રિયતા અને સામાજિક વિકાસ તરફ ઉન્મુખ કરવાનો હતો. સાથે સાથે બાળકો અને માતા-પિતાઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દોરડાકૂદ, લંગડી, ઉભી ખો, પાંચીકા, ભમરડાં, લખોટી, ગિલ્લીદંડા અને પગથિયા જેવી વિસરાઈ ગયેલી ભારતીય રમતોને ફરી જીવંત બનાવવામાં આવી હતી. બાળકો સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી.કાર્યક્રમમાં સંગીત, પેપરક્રાફ્ટ, ડ્રોઈંગ-પેઈન્ટિંગ, માટીકામ, ટોય મેકિંગ, ઝુંબા ડાન્સ, ચેસ, ક્લાઈમ્બિંગ વોલ અને ઝોર્બ રોલર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં એનિમિયા પરીક્ષણ, આયુર્વેદિક માર્ગદર્શન તેમજ બાળકો માટે કેરિયર કાઉન્સેલિંગ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જે વાલીઓ માટે ઉપયોગી સાબિત થઈ હતી.