લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, મે 2026 |
1980
ચીનની સરકાર હવે AI સેક્ટરમાં કામ કરતા મોટા નિષ્ણાતોની વિદેશ યાત્રાઓ પર વધુ કડક નિયંત્રણ લાવી રહી છે. મળતી માહિતી મુજબ, ચીન સરકારે ખાનગી કંપનીઓમાં કામ કરતા અનેક AI એક્સપર્ટ્સ માટે નવા પ્રવાસ નિયમો લાગુ કર્યા છે. તેમાં અલીબાબા અને ડીપસીક જેવી મોટી કંપનીઓ સાથે જાેડાયેલા લોકો પણ સામેલ છે. માહિતી અનુસાર, ચીનની સરકારી એજન્સીઓ ખાસ કરીને એ લોકો પર નજર રાખી રહી છે, જે અદ્યતન AIટેક્નોલોજી પર કામ કરે છે. હવે આવા લોકોને વિદેશ જવા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડી શકે છે. આ નિયમોમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, રિસર્ચર્સ અને મોટી ટેક કંપનીઓના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ચીન અગાઉથી જ કેટલાક મહત્વના ક્ષેત્રોમાં કામ કરતા લોકો પર પ્રવાસ સંબંધિત નિયંત્રણો લાગુ કરતું આવ્યું છે. યુનિવર્સિટી રિસર્ચર્સ, પરમાણુ વૈજ્ઞાનિકો અને સરકારી કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પહેલાથી જ આવા નિયમોના દાયરામાં હતા. પરંતુ પ્રથમ વખત ખાનગી AI કંપનીઓમાં કામ કરતા લોકો પર પણ આવી કડકાઈ કરવામાં આવી રહી છે.ચીનમાં સરકારી કંપનીઓના ટોચના અધિકારીઓ અને કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓના પાસપોર્ટ ઘણીવાર સરકાર પાસે જ રાખવામાં આવે છે. પરંતુ હવે ખાનગી કંપનીઓના કર્મચારીઓ સુધી આ નિયમોનો વ્યાપ વધારવો એક મોટું પગલું માનવામાં આવે છે. સરકાર હવે માત્ર કોઈ વ્યક્તિનું પદ કે કંપની નહીં, પરંતુ તે દેશ માટે ટેક્નોલોજીની દૃષ્ટિએ કેટલો મહત્વનો છે તે પણ ધ્યાનમાં લઈ રહી છે.