ચોરવાડના ખેત મજૂરની દીકરીએ એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સમાં રજત ચંદ્રક જીત્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   3168

ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી ૨૨મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪ટ૧૦૦ મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-૨૦ વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો ૪૫.૦૮ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે ૨૦૨૫માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪ટ૧૦૦ મીટર રિલે માં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, ૬૦ મીટર સ્પર્ધામાં અંડર-૨૦ વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે ૬૦ મીટર દોડમાં ૭.૫૦ સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution