નાગરિકોને જાહેર પરિવહનની પણ ફરજ પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026  |   2475

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ જાેવા મળી રહી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયા જેટલો વધારો જાહેર કર્યો હતો. આજે શુક્રવારે સવારે ૬ વાગ્યાથી દેશભરમાં નવા ભાવ અમલમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૨ પછી પહેલી વખત ઇંધણના ભાવમાં આ પ્રકારનો વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈંધણનાં વધતા ભાવથી નાગરિકોએ જાહેર પરિવહન કરવાની પણ ફરજ પડી શકે છે. આ અંગે અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરએ જણાવ્યું હતું કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સરકાર પર ભારે આર્થિક બોજાે આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગયા મહિને જ સરકારને ઇંધણના વેચાણમાં અંદાજે રૂ. ૩૦ હજાર કરોડનો ફટકો સહન કરવો પડ્યો હતો. તેમણે હાલના વધારાને લઈ જણાવ્યું કે સરકારને પેટ્રોલના વેચાણમાં પ્રતિ લિટર અંદાજે રૂ. ૨૦ અને ડીઝલના વેચાણમાં રૂ. ૪૦ જેટલું નુકસાન થઈ રહ્યું છે. તેની સામે સરકારે માત્ર ત્રણ રૂપિયાનો જ વધારો કર્યો છે. જાે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ઈંધણનાં પૂરતા જથ્થાને લઈ જણાવ્યું કે પેટ્રોલ-ડિઝલ અને સીએનજીનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં છે તો કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

નવી કિંમતો અનુસાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૩.૧૪નો વધારો થતાં દિલ્હીમાં તેની કિંમત હવે રૂ. ૯૭.૭૭ પ્રતિ લિટર થઈ ગયો છે. જ્યારે ડીઝલના ભાવમાં રૂ. ૩.૧૧નો વધારો થતાં તેનો ભાવ રૂ. ૯૦.૬૭ પ્રતિ લિટર સુધી પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા અને પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી અસ્થિર સ્થિતિને આ વધારો પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. જાે આવી જ રીતે ભાવ વધતા ગયા તો શહેરીજનોએ એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોમાં ઓફિસ, ઘરે જવાનો વારો આવી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution