વિદ્યાર્થિનીના એલસીમાં ફેરફાર કરનાર વિબગ્યોર સ્કૂલના સંચાલક સામે ફરિયાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   વડોદરા   |   2673

માતા-પિતા વચ્ચે ચાલતા વિવાદના કારણે હાલમાં માતા સાથે રહેતી વિબગ્યોર સ્કુલની બે વિદ્યાર્થિનીઓના તેઓના પિતાની જાણ બહાર સ્કુલની એલસીમાં પિતાનું નામ કાઢી નાખી તેમાં માતાની અટક લખી હતી. આ મુદ્દે પિતાએ સ્કુલ સંચાલકો સામે વાંધો લઈ પોતાની બંને પુત્રીના એલસીમાં પિતાનું નામ અને અટક લખવા માટે જાણ કરી હતી પરંતું સ્કુલ સંચાલકોએ પિતાની વાતને નહી ગણકારતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પિતાની લડતના અંતે કોર્ટે સ્કુલ સંચાલકની ગેરરીતીને ધ્યાને લેતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો જે બાદ પિતાએ વિબગ્યોર સ્કુલના મુખ્ય સંચાલક અને બંને પુત્રીઓની માતા વિરુધ્ધ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુળ દિલ્હીના વતની અને હાલમાં ગોત્રી વિસ્તારના પ્રિન્સ વિલામાં રહેતા ૪૪ વર્ષીય અભિષેક અશોકકુમાર મિશ્રાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ ગત ૨૪-૦૧-૨૦૧૧માં મારુ શહેરના ફતેગંજ વિસ્તારની જયેશ કોલોનીમાં રહેતી અંકિતા ઘનશ્યામલાલ ચૈાહાણ સાથે લગ્ન થયું હતું અને તેના થકી અમારી શગુન અને શુભ નામે બે પુત્રીઓ છે. ગત ૧૪-૦૧-૨૦૧૫ના રોજ મારી પત્ની ગુડગાંવથી મહેસાણા ખાતે દુધસાગર ડેરીના વિપુલ ચૈાધરી સાથે રહેવા માટે જતી રહી હતી.

મારી બંને પુત્રીઓના જન્મ દાખલામાં તેમજ પાસપોર્ટ અને સ્કુલમાં દાખલ કરતા તેઓના પિતા તરીકે મારુ નામ અને અટક લખાવી હતી પરંતું ત્યારબાદ અંકિતા મારી સાથે ના શોભે તેવો વ્યવહાર કરી ઘરસંસારનો ત્યાગ કરી સ્વચ્છંદી રીતે જીવન જીવવા માટે મારી મરજી વિરુધ્ધ બંને પુત્રીઓને તેની સાથે મહેસાણ ખાતે લઈ ગઈ હતી. તેણે મહેસાણા સ્કુલમાં બંને પુત્રીઓને દાખલ કરી તે વખતે તેઓના નામ પાછળ મારુ નામ અટક હતી. જાેકે ત્યારબાદ અંકિતાએ બંને પુત્રીઓને મહેસાણાની ડિવાઈન ચાઈલ્ડ સ્કુલમાંથી મને જાણ કર્યા બાદ એલસી કઢાવીને વડોદરામાં બિલ રોડ પર આવેલી વિગ્બયોર સ્કુલમાં એડમિશન લીધું હતું અને તે સમયે તેણે બંને પુત્રીના અસલ નામમાં ચેડા કરી શગુન ચૈાહાણ અને શુભ ચૈાહાણ કરાવી દીધું છે. અંકિતાએ કોર્ટ હુકમ વિના કે ગુજરાત ગેઝેટમાં અરજી કર્યા વિના ગેરકાયદે ખોટા કાગળો ઉભા કર્યા છે. મારી પત્ની અંકિતા પોતાનું અને બંને પુત્રીઓના નામો જ્યારે મનફાવે ત્યારે ચૈાહાણ કરે છઅને જયારે પૈસા પડાવવા હોય ત્યારે મિશ્રા કરે છે.

મહેસાણાની સ્કુલની એલસીમાં મારી બંને પુુત્રીઓના નામ શગુન અભિષેક મિશ્રા અને શુભ અભિષેક મિશ્રા હોવા છતાં વિબગ્યોર સ્કુલના પ્રિન્સિપાલે મારી બંને પુત્રીઓને એડમિશન આપતી વખતે વ્યકિતગત અને ભ્રષ્ટ ફાયદાના લીધે ગેરકાયદે દસ્તાવેજાેમાં ખોટી નોંધ કરી છે અને પુત્રીઓને ખોટા નામથી સ્કુલમાં દાખલ કરી મારી પિતા તરીકેની ઓળખાણ છુપાવવા માટે કાવત્રુ ઘડ્યું છે. આ મુદ્દે મે વિબગ્યોર સ્કુલના માલિક રૂસ્તમ કેરાવાલાનો સંપર્ક કર્યો હતો અને સ્કુલના મેનેજમેન્ટને આ મુદ્દે ફરિયાદ કરી હતી જેમાં પ્રિન્સિપાલ અને કર્મચારીઓએ મારી બંને પુત્રીઓના નામના રેકોર્ડ ઠીક કરીને મને કોપી આપી દેશે તેમ જણાવ્યું હતું. અંકિતા મિશ્રાએ બદઈરાદાપુર્વક વિબગ્યોર સ્કુલના માલિક, પ્રિન્સિપાલ અને કર્મચારીઓ સાથે મળીને છેતરપિંડી કરીને ખોટા કાગળો ઉભા કર્યા છે કારણકે અંકિતા ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલી છે. ’ વ્યથિત પિતાની ઉક્ત ફરિયાદના પગલે પોલીસે કોર્ટ આદેશ બાદ ગઈ કાલે અંકિતા અભિષેક મિશ્રા (હાલ રહે. એલ એન્ડ ટી રહેણાંક વસાહત, મગદલ્લા સુરત) અને વિબગ્યોર સ્કુલના સંચાલક રૂસ્તમ કેરાવાલા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution