વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ બચાઓ અભિયાનની શરૂઆત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   2079

કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન મજબૂત બનાવવા સંગઠન સૃજન અભિયાનની ગુજરાત રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરવામાં આવેલ જિલ્લા અને શહેરનાં પ્રમુખો દ્વારા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષનાં ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા કરતા વિપરિત પરિણામ આવતા અને કોંગ્રેસને મળેલી નિરાશાજનક હાર માટે જવાબદાર પદાધિકારીઓને ઓળખી કાઢવા અને પાર્ટીનાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસનાં ચિંતિત આગેવાનોએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુરત સર્કિટ હાઉસ ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં વિસ્તૃત ચર્ચા બાદ એકમતે ર્નિણય લેવામાં આવ્યો કે,સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ બચાઓ અભિયાન શરૂ કરવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત દિલ્હી સ્થિત એઆઇસીસીની ઓફિસ ખાતે ધરણાં ધરવાનું તેમજ ઝોન વાઇસ સંમેલનોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ સંમેલન દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાત અને છેલ્લું સંમેલન અમદાવાદ ખાતે યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મીટિંગમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે, "સારો તે કામનો નહીં પણ મારો તે સારો"ની નીતિ અને કેટલાક જિલ્લા તથા શહેર પ્રમુખોની કથિત ભાજપ સાથેની સોદેબાજીને કારણે પાર્ટી સંગઠન વિસર્જનના પથ પર જઈ રહ્યું છે. આ અભિયાન દ્વારા આવા તત્વોને ઓળખીને પાર્ટીને પુન:સ્થાપિત કરવામાં આવશે અને કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને આત્મવિશ્વાસ જગાડવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution