લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
2970
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં મુકાયેલા મહિલાઓને સન્માન અને અધિકાર આપતા નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધને લોકસભામાં પસાર થતું અટકાવ્યું તે અંગે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ‘, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેને કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓને સન્માન અને અધિકાર આપવા માટે લવાયેલા ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. દેશની મહિલાઓને આશા હતી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ બિલને સમર્થન આપશે, કારણ કે આ બિલ કોઈ એક પક્ષ માટે નહીં પરંતુ દેશની તમામ મહિલાઓ અને યુવાનોના ભવિષ્ય માટે હતું. સીમાકંન પૂર્ણ થયું હોત તો લોકસભાની બેઠકોમાં વધારો થવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમનુ સપનું છે કે એક લાખ સામાન્ય વર્ગના યુવક-યુવતીઓ રાજકારણમાં આવે. રક્ષા ખડસેએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓના મુદ્દે રાજનીતિ કરી છે. કોંગ્રેસ કહે છે કે અમે મહિલાઓ સાથે છીએ, પરંતુ જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા તક આવી ત્યારે તેમણે સાથ આપ્યો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની મહિલાઓ તેમજ સામાન્ય વર્ગના યુવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તેનો યોગ્ય જવાબ આપશે. પ્રિયંકા ગાંધી દ્વારા કરાયેલી ટિપ્પણીઓને અંગે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી મહિલાઓને આગળ રાખીને રાજનીતિ કરે છે એવો તેમનો આક્ષેપ નિરાધાર છે.