કોંગ્રેસના ઉમેદવારે નકલી એલસી રજૂ કર્યું; ચૂંટણી નિરિક્ષકોની બેદરકારી છતી થઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026  |   2277

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે બોગસ એલસી (લિવિંગ સર્ટિફિકેટ) રજૂ કર્યાનું સામે આવતા ચૂંટણી અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરવા ફરિયાદ કરી હતી. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. આ મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.

માહિતી મુજબ, ફરિયાદીએ અમદાવાદ શહેર ડીઈઓને ફરિયાદ કરી હતી કે કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કલ્પનાબેન દ્વારા બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. શાળા સંચાલક દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે બોગસ એલસી રજૂ કરી બોગસ સહી પણ કરવામાં આવી છે. ઉમેદવારે કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હતો, જીઆર ૧૨૪૮ અને એલ.સી નંબર ૩૧૯૪થી રજૂ કરાયું હોવાનું સામે આવ્યું છે. શહેર જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં ખોટી એલસી રજૂ કરી કોઈએ ડુપ્લીકેટ સહી કરાઈ હોવાનું ખુલ્યુ છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે. સમગ્ર મામલે રિટર્નિંગ ઓફિસરની પણ બેદરકારી સામે આવી છે. ચૂંટણી માટે ફોર્મ ચકાસણી વખતે કામગીરી કરતા ચૂંટણી અધિકારીઓએ પણ યોગ્ય કામગીરી ન કર્યાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ વધુ ખુલાસા થઈ શકે છે.

કલ્પનાબેન કોડેકરે જણાવ્યું હતું કે, કોઈ બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું નથી. હું અત્યારે બહાર છું જેથી ફોન ઉપર હું કઈ જણાવીશ નહીં, આવતીકાલે રુબરુ મળ્યા બાદ વિગત આપીશ. અમદાવાદ શહેર શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં એલસી બોગસ હોવાની તેમને રજૂઆત કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution