લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
1782
સુરત શહેરમાં દોઢ દાયકા બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયાથી સુરત મહાનગરપાલિકામાં સિનિયર અધિકારીઓને ગણતરીદાર અને જુનિયર અધિકારીઓને સુપરવાઇઝર બનાવી દેતા વિવાદ થવા પામ્યો છે અને તાત્કાલિક આ વિસંગતતા દૂર કરવાની માંગ ઉઠી છે. સુરત મનપાના સેન્સસ વિભાગ દ્વારા વસ્તી ગણતરી અંતર્ગત બહાર પાડવામાં આવેલા અસંગત અને વહીવટી સુઝબૂઝ વિનાના ઓર્ડર્સના કારણે પાલિકાના હજારો કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વસ્તી ગણતરીની પ્રક્રિયામાં વહીવટી માળખું એવું હોય છે જેમાં ઉચ્ચ અને લાંબો અનુભવ ધરાવતા સિનીયર કર્મચારીઓને સુપરવાઇઝર અથવા મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવે છે, જ્યારે નવી ભરતી થયેલા કે જુનીયર કર્મચારીઓને ફિલ્ડમાં જઈને ડેટા એકત્રિત કરવા માટે ગણતરીદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ સુરત મનપાના સેન્સસ વિભાગે આ આખી વ્યવસ્થાને ઊંધે માથે પછાડી દીધી છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર્સમાં અનેક વિભાગોના એવા સિનીયર કર્મચારીઓ, જેઓ વર્ષોથી કચેરીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવે છે, તેમને સામાન્ય ‘ગણતરીદાર‘ (વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે જનાર કર્મચારી) બનાવી દેવાયા છે. તેની સામે આશ્ચર્યજનક રીતે, તેમના જ વિભાગમાં જ જુનીયર કર્મચારીઓને સુપરવાઇઝરના ઓર્ડર પકડાવી દેવાયા છે. આ પરિસ્થિતિના કારણે વર્ષોની નોકરી પછી પણ સિનીયર કર્મચારીઓએ ફિલ્ડમાં જઈને વસ્તી ગણતરી કરવાની રહેશે અને સાંજે આવીને પોતાનાથી અડધી ઉંમરના અને જુનીયર કર્મચારીને પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. વહીવટી તંત્રમાં પદોની મર્યાદા અને સન્માન જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. આ પ્રકારના ઓર્ડરથી ઓફિસના રોજિંદા વહીવટમાં અને શિસ્તમાં મોટો ભંગ પડવાની સંભાવના ઉભી થઈ છે. સિનીયર કર્મચારીઓએ આ બાબતને હોદ્દાની ગરિમા અને આત્મસન્માન પર ઘા સમાન ગણાવી ભારે વિરોધ પ્રદશિર્ત કર્યો છે. એક જ મહાનગરપાલિકામાં, એક જ પદ પર અને એક સરખી સત્તા ધરાવતા બે અલગ-અલગ ઝોનના અધિકારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ વહીવટી તંત્રની નબળાઈ અને અણઘડ આયોજનની ચાડી ખાય છે. આ જ રીતે, પાલિકાના ઇલેક્ટ્રિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા સિનીયર કર્મચારીઓને પણ માત્ર ગણતરીદાર તરીકેના ઓર્ડર પકડાવી દેવાયા છે, જ્યારે તેમના જુનીયર કર્મચારીઓને સુપરવાઇઝર બનાવી દેવાયા છે. આ અસમાનતાના કારણે કર્મચારીઓમાં અંદરોઅંદર ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. આ અંગે ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓએ સેન્સ વિભાગને પત્ર લખી આ વિસંગતતા દૂર કરવા માંગ કરવામાં આવી છે.