લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
2178
સુરત શહેરમાં અચાનક બેભાન થઈ મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હજીરામાં દરિયા વચ્ચે શીપમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ ૩૧ વર્ષીય ક્રેન ઓપરેટરનું અને અડાજણ પાટીયા ખાતે મોબાઈલ પર વાત કરતી વખતે ૪૮ વર્ષીય હેર સલૂનની દુકાનદારનું બેભાન થયા બાદ મોત થયું હતું. મોરબી જિલ્લામાં આવેલ સોલંકી નગરમાં ૩૧ વર્ષીય મુનેસ લખમણ ધામેચા પરિવાર સાથે રહેતો હતો અને શીપમાં ક્રેન ઓપરેટ તરીકે નોકરી કરતો હતો. મુનેશ હાલમાં છેલ્લા એક અઠવાડિયાથી મગદલ્લા પોર્ટ ખાતે શીપમાં ક્રેન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે મુનેશ અદાણી પોર્ટ સામે મધ દરિયે ક્રેન ઓપરેટ કરતો હતો. દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવા પછી ઉલટી બાદ અચાનક બેભાન થઈ ગયા હતા. ટગ મારફતે કિનારે લાવી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ હજીરા પોલીસ કરી રહી છે. બીજા બનાવમાં અડાજણ પાટીયા ખાતે આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા ૪૮ વર્ષીય જીગ્નેશભાઈ મગનલાલ ભાટી હેર સલૂન ચલાવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે રાત્રે જીગ્નેશભાઈ ઘરે ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન તેમને ગરમી જેવું લાગ્યા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.