લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1782
અમદાવાદ શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો પોક્સો આરોપી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાંથી પોક્સો કેસનો એક આરોપી ગઈકાલે વહેલી સવારે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો, ૩ પોલીસકર્મીઓને ચકમો આપી ભાગેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે તેને ગણતરીના કલાકોમાં ચંદ્રનગર બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. માહિતી મુજબ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા ૨૩ વર્ષીય આરોપી અશોક ડાભાણીને પોલીસની ટીમ ગુરૂવારની રાત્રે માઉન્ટ આબુથી પકડી લાવી હતી. ધરપકડ બાદ આરોપી અશોક ડાભાણીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જાેકે ગઈકાલે વહેલી સવારે આશરે ૫:૦૦ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ મેડિકલ કરાવીને પરત પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે મોટી બેદરકારી સામે આવી હતી. પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આરોપી અશોક ડાભાણીએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ગાડીમાં ત્રણ પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં તે તમામને ચકમો આપીને અચાનક ભાગી છૂટ્યો હતો. પોલીસે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપી અશોક ડાભાણીને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ પોલીસની સતર્કતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજાે મેળવીને તેને ફરીથી વાડજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.