બાંગ્લાદેશ સરહદે ટોળેટોળાં ઉમટી પડ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, મે 2026  |   1980

પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ કરો)નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરકારના આ કડક અભિયાનના ડરથી બાંગ્લાદેશ સરહદના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી ૨૪ પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દૃશ્યો સાબિત કરે છે કે, સરકાર હવે માત્ર રાજકીય નિવેદનો આપવાને બદલે કડક એક્શન લઈ રહી છે. ઉત્તરી ૨૪ પરગણાના બશીરહાટ વિસ્તારમાં આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર મંગળવારે સવારે ૧૦૦થી વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ એકઠા થયા હતા. આ તમામ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને જાતે જ પાછા બાંગ્લાદેશ જવા માંગતા હતા. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હોલ્ડિંગ સેન્ટરોના કારણે ગેરકાયદે રહેતા આ લોકો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે. સરહદ પર આ ભીડ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના એ એલાન પછી જાેવા મળી છે, જેમાં તેમણે ઘૂસણખોરોને પકડવા માટે ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, રદ કરો અને દેશનિકાલ કરો)ની નવી પોલિસીની જાહેરાત કરી હતી. બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો નાગરિકતા (સંશોધન) અધિનિયમ એટલે કે ઝ્રછછના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે. પોલીસ આવા લોકોને પકડીને બીએસએફને સોંપશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેથી શંકાસ્પદ લોકોને ત્યાં થોડો સમય રાખી શકાય. માલદા દેશનો એવો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં આવું હોલ્ડિંગ સેન્ટર કાર્યરત થઈ ગયું છે.

માલદાના ઇંગ્લિશ બજાર શહેરના ચંદન પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં ૩ મહિલાઓ અને ૬ સગીર સહિત ૯ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે. આ સેન્ટર પર ૨૪ કલાક સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ ૧૨ પોલીસ કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ સ્ટાફ અને મદદગારો તહેનાત કરવામાં આવ્યા છે. અહીં શંકાસ્પદ લોકોના દસ્તાવેજાેની તપાસ કરીને તેમની નાગરિકતા નક્કી કરવામાં આવે છે. આ નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે, જ્યાં તેમની બાયોમેટ્રિક વિગતો લઈને સેન્ટ્રલ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution