લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
2178
જુદી જુદી દુકાનોનાં ફોટા પાડી તેના નામે ફેક ઉદ્યમ સટિર્ફિકેટ મેળવ્યા બાદ તેના થકી બેંકમાંથી પીઓએસ મશીન મેળવી સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાંડેસરાના હરિઓમ નગરમાં રહેતાં મહેશસિંગ ભવરસિંગ રાજપુરોહિત રાજસ્થાનના પાલી જિલ્લાના વતની છે. તેઓ પાંડેસરા હાઉસિંગમાં જલારામ નગરમાં સિદ્ધિ વિનાયક નોવેલ્ટી નામથી દુકાન ધરાવે છે. આ દુકાન માટે તેઓએ માર્ચ ૨૦૨૩માં ઉદ્યમ સટિર્ફિકેટ પણ મેળવ્યું હતું. મહેશસિંગની આ દુકાનના નામે બોગસ ઉધ્યમ સટિર્ફિકેટ બનાવી તથા તથા દુકાનના ફોટાનો દુરુપયોગ કરી તેના નામે એક્સિસ બેન્કમાંથી પીઓએસ મશીન લેવાયું હતું. ગ્રાહકો પાસે કોઈ પણ પ્રકારના કાર્ડ અથવા ડિજિટલ માધ્યમથી પેમેન્ટ સ્વિકારવા ઉપયોગમાં લેવાતાં આ પીઓએસ એટલે કે પોઇન્ટ ઓફ સેલીંગ મશીનનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કરાયો હતો.
આ બાબત ધ્યાને આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મહેશસિંગના નામે આ પીઓએસ મશીન મંથન સુરેશભાઇ કુકડીયા (રહે.સી-૧૧૦૧, એપલ હેવન, શ્રી ફાર્મ પાસે, મોટા વરાછા) દ્વારા લેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ફેક ડોક્યુમેન્ટથી થર્ડ પાર્ટીનાં નામે પીઓએસ મશીન લઇ સાયબર ફ્રોડ કરનારા કુકડીયા ઉપરાંત પ્રિયાંશુ વિપુલભાઇ જેઠાલાલ મહેતા (રહે, શુભમ એવન્યુ, અબ્રામા રોડ, મોટા વરાછા સુરત શહેર, વતન- કાળીયાબીડ, વીરાણી સર્કલ, તા-જી.ભાવનગર) તથા ઉદય જયંતીભાઇ ઠાકરશીભાઇ ધડુક (રહે, એલીગંજા હોમ્સ, ખોલવાડ રોડ, લસકાણા, સુરત. વતન- દાતરડી, તા.રાજુલા, જી.અમરેલી) ની ધરપકડ કરી હતી.
તપાસમાં એવી વાત બહાર આવી હતી કે, મંથન સુરેશભાઇ કુકડીયાએ સિધ્ધિ વિનાયક નોવેલ્ટી દુકાનના નામે ખોટી રીતે એક્સિસ બેન્કનું પીઓએસ મશીન મેળવી ઉદય ધડુકને આપ્યું હતું. ઉદયે આ મશીન હરિણાયાના સાયબર માફિયાને પહોંચાડ્યું હતું. આ મશીન સાથે મંથન કુકડીયાનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ એટેચ હતું. જેથી આ મશીનથી કરાયેલા ફ્રોડના ૨,૨૧,૩૪૫ રૂપિયા મંથનના એકાઉન્ટમાં આવ્યા હતાં.
આ હેરાફેરીમાં દસ ટકા લેખે ૨૦ હજાર રૂપિયા કમિશન મંથનને મળ્યું હતું. જ્યારે ઉદય ધડુકે મંથનના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા તથા સીડીએમ મશીન થકી અન્ય એકાઉન્ટમાં જમા કરાવવાનું કામ પ્રિયાંશુ મહેતાને આપ્યું હતું. એકાઉન્ટમાંથી વિડ્રો કરાયેલા રૂપિયામાંથી પ્રિયાંશુને ૨૫ અને ઉદય કોટકને ૨૫ હજાર રૂપિયા કમિશન મળ્યું હતું. હવે પોલીસ પીઓએસ મશીનથી સાયબર ફ્રોડ કરનારા તથા ઉદય ધડુકે જેના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતાં એની શોધખોળ હાથ ધરી છે.