10, મે 2021
594 |
ન્યુ દિલ્હી-
ગત સપ્તાહે લોન્ચ થયેલા ચીનના સૌથી મોટા રોકેટના અવશેષો હિંદ મહાસાગરમાં ખાબક્યા છે. ધરતીના વાયુમંડળમાં પ્રવેશ્યા બાદ આ કાટમાળ હિંદ મહાસાગરમાં ખાબક્યો હતો. જો કે, વાયુમંડળમાં પ્રવેશ સાથે જ કાટમાળના મોટા હિસ્સાને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રાલયે પહેલેથી જ જાણકારી આપી રાખી હતી કે રોકેટના અવશેષોને ધરતીના વાયુમંડળમાં પ્રવેશ સાથે જ ફરીથી સળગાવી દેવામાં આવશે અને તેનાથી નુકસાનનો અંદાજો પણ ઘટી જશે.

અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને થોડા દિવસ પહેલા ચીનના જે લોન્ગ માર્ચ ૫બી રોકેટની ધરતી સાથે અથડાવાની ચેતવણી આપી હતી તે આખરે હિંદ મહાસાગરમાં પડ્યું છે. ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે તે ભારતના દક્ષિણપૂર્વમાં શ્રીલંકા અને માલદીવની આજુબાજુમાં પડ્યું છે. અમેરિકી સ્પેસ ફોર્સના અહેવાલ પ્રમાણે તે ૧૮,૦૦૦ મીલ પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આવી રહ્યું હતું. આ કારણે તે ક્યાં લેન્ડ થશે તેની પૃષ્ટિ નહોતી થઈ શકી.
અનિયંત્રિત થયા બાદ આ રોકેટ ધરતી તરફ વધવા લાગ્યું હતું અને તે ધરતી સાથે અથડાશે તો નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, નિષ્ણાતોના મતે ધરતીની નજીક આવવા પર આ ચીની રોકેટનો મોટા ભાગનો હિસ્સો બળીને રાખ થઈ જવાનો હતો. ચીને આ રોકેટની મદદથી અંતરિક્ષમાં બનનારા પોતાના સ્પેસ સ્ટેશનનો પહેલો હિસ્સો મોકલ્યો હતો. આ મોડ્યુલનું નામ તિયાન્હે રાખવામાં આવ્યું હતું. અમેરિકન મિલેટ્રી ડેટાનો ઉપયોગ કરતી સ્પેસ મોનિટરિંગ એજન્સી 'સ્પેસ ટ્રેકે' પણ આ વાત સ્વીકારી છે કે, રોકેટ ક્રેશ થઈ ગયું છે. સ્પેસ ટ્રેકે એક ટિ્વટ પોસ્ટ કરીને કહ્યું છે કે, લોંગ માર્ચ ૫મ્ના પૃથ્વીમાં પ્રવેશ કરતા જે લોકો તેના પર નજર રાખતા હતા તે લોકો હવે આરામ કરી શકે છે. રોકેટ ક્રેશ થઈ ગયું છે.