લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026 |
2079
અમલસાડમાં જાણીતી બેકરી ધરાવતા પરિવારની પુત્રવધુએ લગ્નનાં એક જ વર્ષમાં પોતાના સાસરે પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. આ સાથે જ, પિયરપક્ષે મૃતદેહનો કબ્જો લેતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, વલસાડ, ધરમપુરનાં તીસ્કરી તલાટ ગામના દોણી ફળીયામાં રહેતી નિમિશા પટેલ (કુકણા) નાં લગ્ન અમલસાડ પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા સંદીપ રમેશભાઈ પટેલ (કુકણા) સાથે એકાદ વર્ષ અગાઉ થયા હતા. દરમિયાન, બુધવાર સાંજે નિમિશાએ કોઈક અગમ્ય કારણસર સાસરીનાં ઘરે પહેલા માળે સિલિંગ પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. તે દરમિયાન પતિ સંદીપ પટેલે બેકરી ઉપરથી ફોન કર્યા હતા. જે ન ઉપાડતા સંદીપ ત્વરિત ઘરે પહોંચ્યો હતો. અને ઉપરના માળે તપાસ કરતા પત્ની પંખે લટકતી જોવા મળી હતી. જેને ઉતારી નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે મૃતકનાં ભાઈએ ગણદેવી પોલીસને જાણ કરતા ગણદેવી પીએસઆઇ કે.આર. નાયકાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન, પિયરપક્ષે મૃતદેહનો કબ્જો લીધો હતો. જેને કારણે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.