લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
2178
પોતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું માતા-પિતાએ સગા સંબંધીની મદદથી અપહરણ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સિંગણપોર પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર સૈફ સોસાયટીમાં ઋષિ રાજેશભાઇ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. સુરેન્દ્રનગરનાં લીમડી તાલુકાનો વતની ઋષિ પટેલ વીડિયો એડિટર તરીકે કામ કરે છે. ઋષિને કતારગામનાં આંબાતલાવડી વિસ્તારમાં આવેલા સન્ડે એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી કેના સુતરીયા સાથે પ્રેમ સંબંધ હતો. ઋષિ અને કેના લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ કેનાના પરિજનોને આ સંબંધ સ્વીકાર્ય ન હતો.
આવા સંજોગોમાં પરિવારની મરજી વિરૂદ્ધ ઋષિ અને કેના સુતરીયાએ તા. ૬ મે, ૨૦૨૬નાં રોજ પ્રેમલગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ વિવાદ થયો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઋષિ અને કેના ૨૫મી તારીખે કતારગામ પોલીસ મથકમાં હાજર પણ થયા હતાં. બંને પુખ્તવયનાં હોવા ઉપરાંત કેનાએ પતિ ઋષિ સાથે રહેવાનો ર્નિણય જાહેર કર્યો હતો. કતારગામ પોલીસે બંનેનાં નિવેદન નોધી કેનાને પતિ સાથે મોકલી આપી હતી. આ ઘટનાનાં બે દિવસ બાદ એટલે કે ૨૭ તારીખે કેનાની ફોઇ મીનાબેન, દાદા-દાદી તથા તેનો નાનો ભાઇ માનવ તેણીનાં ઘરે બેસવા ગયા હતાં. તેઓએ ઋષિએ જણાવ્યું હતું કે, કેનાની માતાએ માનતા રાખી છે કે, કેના ઘરે આવે ત્યારપછી જ તે જળપાન કરશે. જેથી તમે આવતીકાલે કેનાને લઇ અમારા ઘરે આવો. કેનાને લઇ આવવા આગ્રહ કરી તેઓ જતાં રહ્યા હતાં.
બાદમાં ૨૮મી તારીખે સવારે સાડા નવેક વાગ્યે ઋષિ તેની પત્ની કેના, માતા-પિતા અને પિતાનાં મિત્ર જંયતિભાઇ રાદડીયા સાથે કાકા સસરા આશિષ કરશનભાઈ સુતરીયાના ઘરે પ્રિઝમ લકઝરીયા, હાથી મંદિરની બાજુમાં, કતારગામ ખાતે ગયા હતાં. બાદમાં કેનાનાં માતા-પિતા આશિષભાઇનાં સામેના મકાનમાં રહેતા તેમના પડોશીના ઘરે દિવાબત્તી કરવા માટે લઇ ગયા હતાં. જ્યાંથી કેના અને ઋષિ બહાર નીકળ્યા એટલે સુતરીયા દંપતીએ દીકરી કેનાને બળજબરીથી ખેંચી લીફટ તરફ ધસડવા માંડ્યા હતાં.
ઋષિએ રોકવાનો પ્રયાસ કર્યો તો કેનાના માતા-પિતા તથા અન્યોએ તેની સાથે ઝપાઝપી કરી, ધક્કો મારી પાડી દીધો હતો. તેઓ કેનાને તેની મરજી વિરુદ્ધ અપહરણ કરી લઇ ગયા હતાં. ત્યારબાદ ઋષિને આશિષ સુતરીયાના ઘરમાં ખેંચી જવાયો હતો. તેનો મોબાઈલ છીનવી લીધા બાદ માર મારવા અને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. માહોલ ગરમાતા ઋષિની માતાએ કેનાની ફોઇને આજીજી કરતા છેવટે તેઓને મુક્ત કરાયા હતાં. સાસરીયાઓની ચૂંગાલમાંથી છૂટેલો ઋષિ પોલીસ મથકને પહોંચ્યો અને પત્ની કેના પટેલનાં અપહરણ અંગે ગુનો નોંધાવ્યો હતો.