લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
1881
બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં અનાર પટેલે પટેલ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના નિવેદનો બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અનાર પટેલે જણાવ્યું હતું કે પટેલ સમાજ પોતાની અલગ ઓળખ બનાવે છે કારણ કે તેઓ સ્પષ્ટ અને કડવી વાત કરવાનું પસંદ કરે છે. જાેકે, તેમણે સમાજના લોકોને મીઠું બોલતા અને સંબંધોમાં સૌહાર્દ વધારતા શીખવાની પણ સલાહ આપી હતી. અનાર પટેલે સમાજમાં વધતા વિખવાદ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે સમાજને તોડવાનો પ્રયાસ કરનારા લોકોને ઓળખવાની જરૂર છે. “ભાગલા પાડવાની નીતિ અંગ્રેજાેના સમયમાં હતી, હવે સમાજે એકતા તરફ આગળ વધવું જાેઈએ,” એમ તેમણે કહ્યું. અનાર પટેલે યુવાઓ અને લગ્નપ્રથાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજમાં વધતી દારૂની સમસ્યા પર પણ કડક વલણ અપનાવ્યું. “દારૂ પીને આવનાર વ્યક્તિને પ્રોત્સાહન ન આપવું જાેઈએ, નહીં તો આખો સમાજ બગડશે,” એમ કહી તેમણે યુવાનોને સંસ્કારી જીવન જીવવા અપીલ કરી હતી. સાથે જ આજકાલ દરેક ઘરમાં નેતાગીરીની માનસિકતા વધી રહી હોવાનું જણાવી અનાર પટેલે કહ્યું કે “અત્યારે ઘરે-ઘરે નેતા છે અને દરેકને મોટું થવું છે, પરંતુ સમાજ માટે કામ કરનાર લોકોની જરૂર છે.”