હિલોલ ગામમાં પીવાના પાણીની લાઇનમાં મરેલો ઉંદર મળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026  |   2970

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં એક મોટો મરેલો ઉંદર ફસાયેલો મળ્યો છે, જેને લીધે છેલ્લા બે થી ચાર દિવસથી ગામમાં પાણી ધીમું આવવાની ફરિયાદો મળી રહી હતી.ગામના વિવિધ વિસ્તારોમાં પાણીનો ફોર્સ ઘટી જતાં સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતને જાણ કરી હતી. પંચાયતે તપાસ હાથ ધરી ત્યારે મુખ્ય લાઇનમાં મરેલો ઉંદર ફસાયેલો હોવાનું ખુલ્યું હતું. સરપંચ મહોબતસિંહ સોલંકીએ જણાવ્યું કે ગામ લોકોની ફરિયાદ બાદ પંચાયતે મુખ્ય લાઇન તપાસી હતી. તપાસ દરમિયાન પીવાના પાણીની મુખ્ય પાઇપમાં એક મોટો મરેલો ઉંદર અટકેલો મળ્યો, જેના કારણે પાણીનો રસ્તો બંધ થયો હતો.

આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થયા છે. લોકોમાં ચર્ચા છે કે પાણીની લાઇન અને તેની સફાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણીની લાઇનની નિયમિત તપાસ થવી જાેઈએ. જાે તપાસ થતી હોત તો આ ન બન્યું હોત એવા પ્રતિભાવો મળી રહ્યા છે.પંચાયતે તરત જ પગલાં લઈ પાઇપલાઇનમાંથી મરેલા ઉંદરને દૂર કરી લાઇનની સફાઈ શરૂ કરી છે. સરપંચે જણાવ્યું કે પંચાયતે તે ઉંદરને બહાર કાઢીને પાઇપ સાફ કરવાનું કામ શરૂ કર્યું છે. ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લાઇનમાંથી ઉંદર કાઢવાની પ્રક્રિયા સ્પષ્ટ રીતે જાેવા મળે છે.પાણી પુરવઠાની વ્યવસ્થામાં આવી ઘટના સામે આવતા ગ્રામજનોમાં પાણીની ગુણવત્તા અને આરોગ્ય સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. લોકોની માંગ છે કે આવી ઘટના પુનરાવૃત્તિ ન થાય એ માટે પાણીની લાઇનની નિયમિત તપાસ અને યોગ્ય જાળવણી જરૂરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution