10, જુલાઈ 2025
વડોદરા |
3564 |
વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો : હજુ 3 લાપતાની શોધખોળ
વડોદરાના પાદરા પાસે બુધવારે વહેલી સવારે મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. જેમાં અત્યાર સુધી 15 મોત, જ્યારે ત્રણ હજુ લાપતા હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા વહેલી સવારથી ફરી એનડીઆરએફ સહિત બચાવ ટીમોએ કામગીરી હાથ ધરી હતી. વરસાદ અને નદીમાં કીચડના કારણે મુશ્કેલીઓ વચ્ચે પણ શોધખોળની કામગીરી ચાલું રાખવામાં આવી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.
વડોદરા બ્રીજ દુર્ઘટનામાં વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો છે. મોહન ભીખાભાઈ ચાલડાનો મૃતદેહ બહાર કઢાયો છે. ગામ બામણગામના રહેવાશી બાઈક પર ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એક મોહનભાઈનો મૃતદેહ બહાર કઢાયો છે. આ બ્રિજ જર્જરીત હોવા અંગેની અનેક રજૂઆતો છતાં પણ બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી.