લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
1782
રાજકીય ઇચ્છાશક્તિ પુરી કરવા માટે પોલીસ કાયદાને નેવે મૂકવા માંડી છે. ગૃહમંત્રીનો પડ્યો બોલ ઝીલીને આરોપીઓનાં વરઘોડા કાઢવા, જાહેરમાં સરભરા કરવી એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. રાજકીય આકાઓને ખુશ રાખવા માટે ખડેપગે તત્પર રહેતા અધિકારીઓ ગુનો કરનારને કાયદાનું ભાન કરાવવાના નામે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં આદેશોનું છડેચોક ઉલ્લંઘન કરવા માંડ્યા છે. જો કે, માતર તાલુકાનાં કેસમાં કોર્ટે આરોપીઓને થાંભલા સાથે બાંધી માર મારનારાઓ સામે કેસ ચલાવવાનો આદેશ આપતાં ઉચ્ચ અધિકારીઓને ફરી કાયદો યાદ આવ્યો છે. રાજ્યના પોલીસ વડાએ આરોપીઓનાં વરઘોડા કાઢવા, જાહેરમાં ફજેતો કરવો, હાથ જોડી, કાન પકડી માફી મગાવવી, જાહેરમાં લાકડીથી ફટકારવા જેવી હરકતો કરવાથી દૂર રહેવાની તાકિદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે.
રાજ્યનાં પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આરોપીઓની ધરપકડ, કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન અને કોર્ટમાં રજુ કરવા સુધી કંઇ કંઇ કાયદાકીય જોગવાઇનું ચુસ્તપણે પાલન કરવું એનો ઉલ્લેખ કરાયો છે. રાવે તાકીદ કરી છે કે કોઈપણ આરોપી જયારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તપાસનાં કામે પંચનામા કરતી વખતે, બનાવનું રીકન્સ્ટ્રક્શન કરતી વખતે, સહ આરોપીઓની તપાસ કરતી વખતે કે કોઇપણ કારણોસર તેને બહાર લઇ જવાનો થાય ત્યારે તેના આત્મ ગૌરવનું હનન ના થાય એ સુનિશ્ચિત કરવું.
રાવે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટનાં સંદર્ભ ટાંકીને એવી તાકિદ કરી છે કે, આરોપીઓ પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, આરોપીને ઘુંટણીએ ચલાવવો, જાહેરમાં લાત મારવી કે લાકડીથી મારવો, આરોપીને જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી માફી મગાવવી, આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવો વગેરે હરકતો કહો કે વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આરોપીઓને હાથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઇ જઇ સરઘસ કાઢવાનાં કારણે અને જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેનાં બનાવોને લીધે ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. એટલું જ નહીં આવા અમાનવીય વર્તનથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે તથા જાહેર જનતામાં ગુજરાત પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે. તેથી, ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેમજ આરોપીઓ સાથે અમાનવીય વર્તન ન કરવામાં આવે તેની તકેદારી રાખવી.
હાઇકોર્ટે ૨૦૧૯માં આપેલા ચૂકાદામાં આરોપીઓ સાથે વ્યવહાર અંગે સ્પષ્ટ સૂચના અપાઈ હતી
કોઈ પણ ગુનામાં આરોપીઓની ધરપકડ બાદ પોલીસે આરોપીઓ સાથે કેવું વર્તન કરવું એનો સ્પષ્ટ ઉલ્લેખ કાયદામાં છે. આરોપીઓને જાહેરમાં માર મારવો કે કોઈપણ રીતે અપમાનિત કરવાનો કોઈ હક્ક કે અધિકાર પોલીસને નથી. સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા કરાતી ગેરકાનૂની હરકતો અને ભૌતિક વિજયભાઇ ભટ્ટે વર્ષ ૨૦૧૮માં હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેમાં ૯ મે, ૨૦૧૯નાં રોજ હાઇકોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું હતું કે, આરોપીને અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવવી નહીં. આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જતા તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાઓથી બચાવવો જોઇએ. આરોપી સાથે કોઈ ગેરવર્તણૂંક કરવી નહી. આરોપીનું આત્મસન્માન જળવાય તે રીતે તેની સાથે વ્યવહાર કરવો જોઇએ.