મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનર ધૃતરાષ્ટ્ર બન્યાં હતાં પણ સરકાર ભિષ્મ પિતામહની જેમ કેમ ચૂપચાપ જાેતી રહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026  |   1782

રાજ્યની વડી અદાલતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરનું શાબ્દિક વસ્ત્રાહરણ કરતાં નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડની સ્ક્રીપ્ટમાં પડદા પાછળ રહેલાં રાજકીય કલાકારે ભજવેલી ભૂમિકા હવે બંને અધિકારીઓને ભારે પડી રહી હોવાનું લાગી રહ્યું છે. બિલ્ડરનાં લાભાર્થે રાજકીય કલાકારનાં ઇશારે સ્ક્રીપ્ટ અનુસાર પોતાનાં પાત્રો ભજવનાર મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજન અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને હાઇકોર્ટનાં ચોટદાર જવાબો આપતાં રીતસર ફાંફાં પડી રહ્યાં છે. સુરત શહેરમાં ૧૦૦ ગરીબ પરિવારો પાંચ કલાકમાં બેઘર બની ગયાં અને બંને સીનિયર સનદી અધિકારીઓ સમગ્ર ઘટનાથી બેખબર હતાં તે વાત કોઇ મૂર્ખ વ્યક્તિ જ માની શકે. નાસિરનગરનાં લાચાર પરિવારો આક્રંદ કરતાં હતાં પરંતુ આક્રંદ કરી રહેલાં પરિવારોનાં ચહેરાં ધૃતરાષ્ટ્ર બનેલાં આ બંને અધિકારીઓને દેખાયા જ નહીં કે તેમની ચીસો પણ તેમનાં કાનો સુધી પહોંચી શકી નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે, મ્યુ.કમિશનર અને પોલીસ કમિશનર તો બિલ્ડરે આપેલી પટ્ટી આંખો ઉપર પહેરીને ધૃતરાષ્ટ્ર બની બેઠાં હતાં પરંતુ આટઆટલી કાગારોળ મચી, મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો તેમ છતાં રાજ્ય સરકારે એક મહિના સુધી આ ગેરકાયદે ડીમોલિશનનું કોઇ જ કોગ્નિજન્સ લીધું નહીં અને ભિષ્મ પિતામહની જેમ ચુપચાપ તમાશો જાેયા કર્યો.

જે રીતરસમો અજમાવીને જે સંજાેગોમાં ગરીબોને બેઘર કરવામાં આવ્યાં તે અત્યંત શરમજનક બાબત છે, હાઇકોર્ટમાં મહાનગર પાલિકા અને પોલીસતંત્રનાં વકિલો ભલે એમ કહે કે ડીમોલિશનની અમને ખબર નથી, ડીમોલિશન માટે કોઇ હુકમ કરાયો ન હતો કે માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગયાં હતાં પરંતુ મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર આ ગેરકાયદે ડીમોલિશનકાંડની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. બંને સીનિયર સનદી અધિકારીઓનાં પગ કુંડાળામાં પડી ગયાં છે, બંનેનાં હાથ ખરડાયેલાં છે, જાે એમ ના હોય તો એક મહિના સુધી એક પણ અધિકારી સામે કેમ કોઇ કાર્યવાહી કરી નહીં. મ્યુનિસિપલ કમિશનર તપાસ સમિતિ પાછળ પોતાની જાતને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તો પોલીસ કમિશનર ડીસીપી નકુમને બચાવવા બધું કરી છૂટ્યાં છે. બિલ્ડરે આ જ વસાહતનાં અન્ય લોકોને ભૂતકાળમાં દબાણ લાવીને ઓછુ વળતર ચૂકવીને મકાનો તોડાવી નાંખ્યાં હતાં ત્યારે પણ નકુમની હાજરી જાેવા મળી હતી. આ વખતે સાવ નજીવું વળતર ચૂકવવા માટે બિલ્ડરે ડીમોલિશનની સોપારી આપી જેમાં બખેડો થતાં બિલ્ડર તો ફસાયા સાથો સાથ મ્યુનિસિપલ કમિશનર, અને પોલીસ કમિશનરને પણ ભેખડે ભેરવ્યાં છે.

હાઇકોર્ટે તટસ્થ વલણ અને કડકાઇ બતાવતાં નાગરાજન અને ગહલૌતની હાલત માં મને કોઠીમાંથી કાઢ જેવી બની જતાં કાયદાની છટકબારીઓ શોધીને એફિડેવિટમાં તે મુજબનું બચાવનામુ પેશ કરવા દોડાદોડ કરી મૂકી છે. એક મહિના સુધી પલાંઠી વાળીને બેસી રહેલાં નાગરાજનનાં આદેશથી તપાસ સમિતિએ મંગળવારે નોનસ્ટોપ સુનાવણી કરીને અધિકારીઓ અને કર્મચારીઓનાં નિવેદનો લઇ તપાસ પૂર્ણ કરી રીપોર્ટ આપતાં કમિશનરે સુજલ પ્રજાપતિ અને જીવનરામજીવાલા સહિત પાંચને સસ્પેન્ડ કરવાનો દેખાડો કર્યો. માત્ર હાઇકોર્ટની ખફગીમાંથી બચવા માટે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો સગવડિયો વહિવટી ધર્મ મ્યુનિસિપલ કમિશનરે બજાવ્યો નહીં તો ખજાેદ કચરાકાંડમાં તપાસ સમિતિનું સુરસુરિયું ક્યારે થઇ ગયું તેની પણ ખબર પડી નથી અને ગોટાલાવાડી-ભેસ્તાન આવાસનો રીપોર્ટ ક્યારે કચરાટોપલીમાં ફેંકી દેવામાં આવ્યો તેની પણ કોઇને જાણ નથી. નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશને એક વાત તો સાબિત કરી આપી કે સુરતમાં કાયદાનું નહીં પરંતુ મહાનગર પાલિકા તેમજ પોલીસનાં સોપારીબાજ તંત્ર અને માલેતુજારોનું જંગલરાજ ચાલે છે. ડીમોલિશન ગેરકાયદે કરાયું છે, બિલ્ડરનાં મેળાપીપણામાં પોલીસે ભૂંડી ભૂમિકા ભજવીને ગુનાઇત પ્રવૃત્તિને સપોર્ટ આપ્યો છે અને ડીમોલિશનનો હુકમ કરાયો ન હતો તો મહાનગર પાલિકાનાં અધિકારીઓની ફોજ સ્થળ ઉપર શું કરતી હતી તેવી હાઇકોર્ટની છોતરાંફાડ ટીપ્પણી પછી સરકારે પો. કમિશનરની બદલી કરી પણ મ્યુ. કમિશનરને સુરતથી નહીં હટાવે તો સરકારની નિયત સામે પણ શંકા જઇ શકે છે. માલેતુજારો વિરૂદ્ધ ગુના દાખલ નહીં કરનારી સુરત પોલીસે નાસિરનગરનાં સ્પોન્સર્ડ ડીમોલિશનની ગુનાઇત પ્રવૃત્તિમાં બિલ્ડરનાં લાભાર્થે પ્રોેએક્ટિવ ભૂમિકા ભજવીને સોપારીબાજ પોલીસની ઇમેજ વધારે મજબુત બનાવી હોવાનું વધુ એકવાર ફલિત થયું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution