ડીઝલની અછત: ખાનગી બસોના રૂટમાં ધરખમ ઘટાડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   2475

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ઘર્ષણની સ્થિતિની ગુજરાતને અસર પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછત વર્તાઈ રહી છે. ગઈકાલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા ઉપમુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. જાે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય તો રાજ્યમાં ૧૨ લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખાનગી બસ ઓપરેટરો (ટ્રાવેલ્સ)ને પણ હાલત ખરાબ થતી જાેવા મળી રહી છે. ડીઝલની અછતના કરને રાજ્યના અનેક ખાનગી બસ સંચાલકો દ્વારા બસોના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ખાનગી બસ ઓપરેટરો દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રૂટો પર બસોની સંખ્યામાં ઘટાડો કરી દેવાયો છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક સંકટની સ્થિતિને જાેતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપૂરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે રાજ્યના અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ગઈકાલે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જાે આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી જશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જાેતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે.

કચ્છ સહિત હાઈવે પર ટ્રકોની લાંબી કતારો

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની રહી છે જેના કારણે કચ્છ સહિત વિવિધ હાઈવે પર ટ્રકોની લાંબી કતારો જાેવા મળી રહી છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ટ્રક ચાલકોને કલાકો સુધી ઈંધણ માટે રાહ જાેવી પડે છે, જેના કારણે માલ પરિવહન અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર થઈ રહી છે.અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનના અધ્યક્ષ વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પુરવઠા મંત્રીનું ધ્યાન દોરાયું છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત વધુ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરીને તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવશે.કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ર્નિણય લેવાયો કે જાે ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો ૧ જૂન, ૨૦૨૬થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સ ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની પણ માંગ ઉઠી છે.ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ હરીશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે કલેક્ટરને રજૂઆત બાદ અમને ૨ દિવસમાં જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ લાવવાની વાત થઈ છે. હાલ અમને માત્ર ૫૦ લિટર ડીઝલ આપવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછું ૨૦૦ લિટર મળવું જાેઈએ. અડધો દિવસ તો ડીઝલ માટેની લાઈનમાં જ નીકળી જાય છે અને લાઈનમાં ઊભા રહીએ ત્યારે પણ ડીઝલ બળી જાય છે.તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ૫૦ ટકા ગાડીઓ બંધ જેવી સ્થિતિમાં છે. પહેલા એક દિવસમાં બે ટ્રિપ થતી હતી, હવે બે દિવસમાં એક ટ્રિપ પણ થઈ શકતી નથી. ડ્રાઈવરો પણ કંટાળી રહ્યા છે. જાે સ્થિતિ નહીં સુધરે તો સમગ્ર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ થઈ જશે.ડીઝલની અછતને કારણે કચ્છના પોર્ટ વિસ્તારમાં પણ ચિંતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે જાે ટૂંક સમયમાં ડીઝલ પુરવઠો સામાન્ય નહીં બને તો કચ્છ જિલ્લાના તમામ પોર્ટ પર ટ્રક મારફતે થતું લોડિંગ અને અનલોડિંગ કાર્ય બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે માલવાહક વાહનોના સંચાલન પર ગંભીર અસર થઈ રહી છે.ડીઝલની અછત ઉપરાંત ટ્રાન્સપોર્ટરોમાં ઓનલાઈન ચલણની વધતી સંખ્યા, ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓને લઈને આગામી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા થઈ.અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેક્રેટરી બળવંતસિંહ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ડીઝલની ભારે અછત છે.

સરકારના ઇંધણની અછત નહીંના દાવા સામે સવાલ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પૂરતો જથ્થો હોવાનો ભલે દાવો કરવામાં આવે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જાેવા મળી રહી છે.

ખાનગી બસોની સેવાઓ ખોરંભે પડી

રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળવાથી રાજ્યના ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો)ની બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે અનેક ખાનગી બસ સંચાલકો (ટ્રાવેલ્સ ઓપરેટરો) એ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવી માહિતી પણ સામે આવી છે કે, ખાનગી બસોના સંચાલનમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી બસ સંચાલકોનું કહેવું છે કે, ડીઝલના અપૂરતા જથ્થા અને પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી ઘણી મુશ્કેલ બની રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution