લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
2178
વર્ષો અગાઉ મ્યુનિ.સત્તાધીશોએ જૂના પાંચ ઝોનમાં જુદી જુદી જગ્યાઓએ દુકાનો, ગોડાઉન વગેરે પ્રકારની મિલકતો બનાવીને ભાડે આપી હતી, તેનો સરવે કરાવીને જર્જરિત જાેખમી હશે તેવી તમામ મિલકતોને જમીનદોસ્ત કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હોવાનુ મ્યુનિ.નાં વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ વિભાગનાં ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં તે સમયનાં સત્તાધીશો અને કમિશનરની મંજૂરીથી જુદી જુદી જગ્યાઓએ દુકાનો-ગોડાઉન વગેરે પ્રકારની કોમર્શિયલ મિલકતો બનાવવામાં આવી હતી અને તેને ભાડે આપી તેમાંથી મ્યુનિ.ને આવક મળશે તથા લોકોને રોજગારી મળી રહેશે તેવા દાવા કરવામાં આવ્યા હતા.
પાંચ ઝોનમાં કુલ ૩૭૭૮ જેટલી કોમર્શિયલ મિલકત બનાવી ભાડે આપવામાં આવી હતી અને આ મિલકતનાં ભાડા વસૂલ કરવા માટે એસ્ટેટ ખાતામાં રેન્ટ વિભાગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઝોનવાઇઝ નિયુક્ત કર્મચારીઓ ભાડાની વસૂલાત કરવા જતા હતા. મ્યુનિ. રેન્ટ વિભાગનાં કર્મચારીઓ પણ ભાડાની મિલકતનાં ભાડા વસૂલવામાં ટેક્સ ખાતાની જેમ જ કાર્યવાહી કરતાં રહ્યા અને તેના પરિણામે અનેક મિલકતોનુ લાખો રૂપિયા ભાડું ચઢી જવા પામ્યું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય વર્ષોનાં બાકી ભાડાની રકમ પોણા બે કરોડ જેટલી અને ચાલુ વર્ષની ૭૨ લાખથી વધુ રકમ બાકી હતી, જેની વસૂલાત માટે રીતસરની ઝુંબેશ ચલાવાતાં સવા બે કરોડ જેટલી રકમની વસૂલાત થઇ શકી છે અને હાલમાં ફક્ત ૨૬ લાખ જેટલી રકમ બાકી છે.
એસ્ટેટ ખાતાનાં સૂત્રોએ કહ્યું કે, આ તમામ મિલકતો લગભગ વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે, તે ગમે ત્યારે ધરાશાયી થાય અને જાનહાનિ સર્જાય તે પહેલાં તેનો સરવે કરાવીને જે મિલકત અતિજાેખમી જણાય તેને જમીનદોસ્ત કરવાનો ર્નિણય લેવાઇ ચૂક્યો છે. જાેકે જે તે મિલકત તોડવામાં આવશે તેનુ ભાડુ વસૂલ કરવામાં આવશે અને તોડી પડાયેલી મિલકતની જગ્યાએ ફરી તે પ્રકારની મિલકત બનાવવી કે કેમ તે બાબતે હજુ સુધી કોઇ ર્નિણય લેવાયો નથી. મ્યુનિ.સત્તાધીશોએ વર્ષો અગાઉ અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ ભૂગર્ભ બજાર બનાવવાનો ર્નિણય લીધો હતો અને તેના માટે લાલદરવાજા સિદી સૈયદની જાળી પાસે ભૂગર્ભ બજાર બનાવી તેની દુકાનો ભાડે આપી દીધી હતી. પાલિકા બજાર તરીકે ઓળખાતી આ મિલકત પણ વર્ષો જૂની જર્જરિત કહી શકાય તેમ હોઇ તેને ખાલી કરવા માટે એસ્ટેટ ખાતાએ કાર્યવાહી કરતાં વેપારીઓએ કોર્ટમાં ધા નાખી છે, જે છેલ્લા કેટલાય સમયથી પડતર હોવાથી એસ્ટેટ ખાતાએ લીગલ ખાતાને કોર્ટમાં ઝડપથી સુનાવણી થાય તે માટે પત્ર પાઠવવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.