લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
વડોદરા |
2673
ગુજરાત સુપર ફાસ્ટ એકસપ્રેસના વિકલાંગ કોચમાં આણંદથી બેઠેલા દિવ્યાંગ યાત્રી સાથે અન્ય યાત્રીઓએ બેસવા બાબતે બોલાચાલી કરી હતી અને માર માર્યો હતો. દિવ્યાંગ યાત્રીએ હુમલાના પગલે ચેઇન પુલીંગ પણ કર્યું હતું પણ કોઇ મદદ નહી મળતાં તેણે રેલવેના હેલ્પલાઈન નંબર ૧૩૯ પર જાણ કરી હતી. આ સંબંધમાં દિવ્યાંગ યાત્રીની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.
વડોદરા રેલવે પોલીસ સૂત્રો મુજબ પ્રફુલચંદ્ર શિવશંકર પંડયા (ઉ.વ. ૬૪), (રે.સુરત), તા. ૦૧/૦૨/૨૦૨૬ના રોજ સવારે સુરત જવા માટે આણંદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેઓ પાસે વિકલાંગ પાસ હોવાથી પ્લેટફોર્મ નં. ૪ પરથી ટ્રેન નં. ૨૨૯૫૪ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના વિકલાંગ કોચમાં બેઠા હતા.મુસાફરી દરમિયાન સીટ બાબતે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર બની ગઈ હતી.
વડોદરા સ્ટેશન આવતા પહેલા આશરે સવારે ૦૮:૪૫ વાગ્યે કોચમાં હાજર ચાર અજાણ્યા ઈસમોએ પ્રફુલચંદ્ર સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો અને પ્રફૂલચંદ્ર પંડયાને માર માર્યો હતો. જેમાં એક મુસાફરે પ્રફુલ્લ ચંદ્રના મોઢા પર મુક્કો માર્યો હતો.જેથી તેમણે ટ્રેન રોકવા માટે ચેઇન પુલીંગ કર્યું હતું પણ કોઈ મદદ મળી ન હતી જેથી તેમણે રેલવે હેલ્પલાઈન નંબર ૧૩૯નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. મારા મારી કરનાર બે શખ્સો વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા જયારે અને બે મુસાફરો સુરત રેલવે સ્ટેશન ખાતે ઉતર્યા હતા જેમાં એક મહિલા યાત્રીનો પણ સમાવેશ થતો હતો.વડોદરા રેલવે પેાલીસે આ સંબંધમાં ગહન તપાસ હાથ ધરી છે.