વડોદરા. તા.૧૨

ગંદકીથી ખદબદતા યુનિવર્સિટીના આંતરિક રાજકારણમાં કોઈપણ એક જૂથનો હાથો નહીં બનવાની ઘેલછા સાથે વહીવટ ચલાવતા યુનિ.ના વા.ચા. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવની મનમાની અને એકહથ્થુ શાસનપદ્ધતિને કારણે સર્જાતી અનેક ગંભીર સમસ્યાઓની જેમ જ આજે અત્રે યોજાયેલો યુનિ.નો ગૌરવપ્રદ પદવીદાન સમારંભ શરમજનક ઘટનામાં પરિણમ્યો હતો અને સત્તાધીશોના અણઘડ-મનસ્વી વહીવટને કારણે એનો ભયાનક ફિયાસ્કો થતાં યુનિ. માટે સંવેદનશીલ લોકોમાં ભારે હતાશા ફેલાઈ હતી.

ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ પણ સમય કરતાં મોડો શરૂ થયો હતો તથા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉ૫સ્થિત રહેનાર રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી પોતે જ ગેરહાજર રહેતા કાર્યક્રમમાં ઉદાશીનતા પ્રર્વતતી હતી. આ સંજાેગોમાં રાજયમંત્રી મનીષા વકીલ તથા તથા મેયર અને સ્થાનિક ધારાસભ્યોને મુખ્ય અતિથિ ગણી મોડે મોડે શરૂ થયેલા યુનિ. ગોલ્ડ મેડલ વિતરણ સમારોહમાં કુલ ૧૯૧ વિદ્યાર્થીઓને ૨૯૬ ગોલ્ડ મેડલ્સ એનાયત કરાયા, જેમાંથી ૧૧૧ તો વિદ્યાર્થિનીઓ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુનિ. કુલપતિ રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે સારી કારકિર્દી સાથે દેશભક્તિનો સમન્વય કરીને યુનિ.ના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં નામના મેળવી રહ્યા છે. મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી મનીષા વકીલે જણાવ્યું કે, હું એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી ત્યારે શિક્ષક બનવાનું સપનું હતું અને અત્યારે પદવીદાન સમારોહમાં રાજ્યમંત્રી તરીકે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાની તક મળી છે. સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ જીવનમાં સતત આગળ વધવાની શીખ આપી હતી.આ વેળાએ ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થિનીઓએ પોતાના યુનિવર્સિટી સાથેના અનુભવો વર્ણવ્યા હતા.

સી.સી.મહેતા ઓડિટોરિયમથી સયાજી નગરગૃહ સ્થળ બદલાયું ઃ સેનેટ સભ્યો પણ અટવાયા

જે યુનિવર્સિટી પાસે આશરે ૨૮૩ એકર જમીન છે એ યુનિવર્સિટી પાસે પદવીદાન પોતાનું અલગ મેદાન છે એ ભાડું ખર્ચીને સયાજી નગરગૃહમાં કાર્યક્રમ કરે એ કોના બાપની દિવાળી તેવો ગણગણાટ પણ યુનિ. વર્તુળમાં થતો હતો. શા માટે જાહેર નાણાનો આવો વ્યય? વિદ્યાર્થીઓના નાણાનો પણ આ વ્યય છે તેવી ચર્ચાઓ પણ સેનેટ અને સિન્ડિકેટ સભ્યોમાં થતી હતી. યુનિ.ના આ સમારોહના વહીવટમાં અનેક છબરડાઓ જાેવા મળ્યા હતા. જેમ અચાનક જ સી.સી.મહેતા ઓડિટોરિયમથી સયાજી નગરગૃહ કાર્યક્રમનું સ્થળ બદલવામાં આવ્યું હતું, જે અંગે અનેક વિદ્યાર્થીઓ અને આમંત્રિતોને પણ ખબર ન હોવાથી તેઓ કાર્યક્રમ સ્થળને લઇ અટવાયા હતા.

એકથી વધુ ગોલ્ડ મેડલ મેળવવામાં પણ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે

આ સમારોહમાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેઓએ એકથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એક વિદ્યાર્થીએ ૧૦ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એક વિદ્યાર્થીઓ ૭ અને બીજા વિદ્યાર્થીઓ ૫, ત્રણ વિદ્યાર્થીઓએ ૪ ગોલ્ડ મેડલ અને ૫૭ વિદ્યાર્થીઓ ૨થી વધુ ગોલ્ડ મેળવવામાં સફળ રહ્યા છે, જયારે ૧ ગોલ્ડ મેડલ મેળવનારા ૧૨૬ વિદ્યાર્થીઓ છે.

સેનેટસભ્યે યુનિ.ના ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ અંગે નારાજગી વ્યકત કરી

સેનેટ સભ્ય કપિલ જાેષીએ સમગ્ર સમારોહ અંગે પોતાની નારાજગી ઠાલવતાં જણાવ્યું હતું કે હું સેનેટ મેમ્બર તરીકે હું ખૂબ વ્યથિત છું. કેવા માણસોના હાથમાં આપણી યુનિવર્સિટીનું તંત્ર છે કે જ્યાં પદવીદાન સમારંભ કોઈ ઔપચારિકતા ખાતર નહીં પણ ખરેખર યુનિવર્સિટીમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓનો ઉષ્માપૂર્ણ દીક્ષાંત સમારંભ હતા! જ્યાં અતિથિવિશેષનું ભાષણ જીવનભરનું ભાથું બની રહેતું હોય છે. આજે આ કંગાળ કાર્યક્રમો બતાવે છે કે યુનિવર્સિટી દિશાહીન બની ગઈ છે કારણ કે દૃષ્ટિહીન માણસો તેનો વહીવટ કરે છે.

યુનિ.નો અણઘડ વહીવટનો નમૂનો ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થિની હતાશ

મહારાજા સયાજીરાવ યુનિ. સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિની દેવાંશી રાજેશ પંચાલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ગોલ્ડ મેડલ સમારોહમાં તે પોતાના માતા-પિતા સાથે ઉપસ્થિત રહેવા માંગતી હતી, તેના માટે ગૌરવની ઘડી હતી. પરંતુ યુનિ.ના અણઘડ વહીવટના કારણે દેવાંશી પંચાલને ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ અંગેની જાણ જ કરવામાં આવી નથી, તેને આમંત્રણ મોકલવામાં આવ્યુ નથી, જેથી તેણીની ઘણી હતાશ થઇ હતી અને યુનિ.ના ખરાબ મેનેજમેન્ટ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા તેની વ્યથા ઠાલવી હતી. આવા અનેક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ વિતરણ કાર્યક્રમ અંગે આમંત્રણ કે નોટિફિકેશન યુનિ. તરફથી મળ્યુ ન હતું.