લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2023 |
1782
લોકસત્તા વિશેષ, તા.૨૭
ગુજરાત સરકાર રાજ્યમાં રોજગારી વધે તે માટે વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવા ર્નિણયો લઈ રાજ્યમાં રોકાણ વધે તેવા સતત પ્રયાસ કરે છે. પરંતુ વડોદરા કલેકટર કચેરીમાં રાજ્ય સરકારની મહેનત આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ માટે ઉદ્યોગની સ્થાપના માટે ખેતીની જમીન ખરીદવા માટે અમલમાં મુકાયેલી મહેસુલી કાયદાની વિશેષ કલમ ૬૩એએની પ્રક્રિયામાં અચાનક ફેરફાર લાવી અરજદારોને હેરાનગતિનો ખેલ કરવામાં આવ્યો છે. અગાઉ ડીસીએલઆર કચેરીમાંથી સીધી કલેકટર પાસે મંજુરી અર્થે જતી ફાઈલ અચાનક અટકાવી દેવામાં આવી છે. હવે આ ફાઈલ ડીસીએલઆર પાસેથી પહેલા આર.એ.સી. પાસે જાય છે અને ત્યાર બાદ કલેકટર મંજુરી આપે છે. ત્યારે આ નવો ફતવો કોના લાભાર્થે બહાર પાડવામાં આવ્યો તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે વાઈબ્રન્ટ સમીટના આયોજન કરી દેશ અને વિશ્વના ઉદ્યોગોનું રાજ્યમાં રોકાણ આવે અને રાજ્યના નાગરીકોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય તે માટે વિશેષ પ્રચત્નો કરતા હતા. તે સમયે ઉદ્યોગોને ખેતીની જમીન ખરીદી એકમ શરૂ કરવામાં પડતી ગણોતધારાની જાેગવાઈની મુશ્કેલી દુર કરવા માટે કાયદામાં વિશેષ સુધારો લાવી ઔધોગિક એકમોને ખેતીની જમીન ખરીદી કર્યા બાદ નિયત સમયમાં ૬૩એએની ખાસ જાેગવાઈ હેઠળ કલેકટર પાસેથી પ્રમાણપત્ર લેવાની જાેગવાઈ નક્કી કરવામાં આવી હતી. જે પ્રમાણપત્ર લીધા બાદ ૬૫બી હેઠળ જમીન બિનખેતીમાં તબદીલ કરવાની પ્રક્રિયા કરવાની હતી.
રાજ્ય સરકારના નિર્દેશ હેઠળ વર્ષ ૨૦૧૦માં આ કામગીરી માટે ડીસીએલઆર કચેરીને જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. કલેકટર કચેરીની કાર્યપધ્ધતિમાં ડીસીએલઆર કચેરીની ફાઈલો સીધી જ કલેકટર સમક્ષ મંજુરી માટે મુકવામાં આવે છે. જે કાર્યપધ્ધતિ એક દસકા કરતા વધુ સમયથી નિર્વિવાદ અને નિર્વિધ્ન ચાલતી આવતી હતી. દરમ્યાન અચાનક કલેકટર કચેરીએ રાજ્ય સરકારના પરામર્શ વગર એક કચેરી આદેશ કરી ૬૩એએની તમામ ફાઈલો ડીસીએલઆર કચેરીથી સીધી કલેકટર સમક્ષ મુકવાના બદલે આર.એ.સી. મારફતે કલેકટર સમક્ષ મુકવાની નવી પધ્ધતિ શરૃ કરવામાં આવી છે. જેના કારણે સંખ્યાબંધ અરજીઓ અટવાઈ પડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સુનાવણીના નામે અરજદારોનો સંપર્ક કોણ કરી રહ્યું છે?
ડીસીએલઆર કચેરીમાંથી ૬૩એએની ફાઈલો મંજુરી અર્થે હાલ આર.એ.સી. સમક્ષ મુકવામાં આવે છે. જ્યાં મોટાભાગની ફાઈલોને સુનાવણીના નામે ટાળવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે. એટલું જ નહીં સુનવણીના નામે કેટલાક અરજદારોના સંપર્ક થઈ રહ્યા છે ત્યારે આ સંપર્ક કોણ અને કોના માટે કરી રહ્યું છે તે તપાસનો વિષય છે.
હકારાત્મક અભિપ્રાય હોવા છતાં સુનાવણી આપવાનો ઈરાદો શું?
૬૩એએની ફાઈલમાં જુદા જુદા વિભાગો પાસેથી મેળવવામાં આવતી એન.ઓ.સી.માં તમામ એન.ઓ.સી. પોઝીટીવ આવી હોવા છતાં સુનાવણી આપવાનો ઈરાદો શું તે મોટો સવાલ છે. આવી સુનાવણી માત્ર કોઈ વિભાગનો નકારાત્મક અભિપ્રાય હોય, કોઈ વાંધો આવ્યો હોય કે પર્યાવરણના નુકશાનની વાત હોય તો તેના સાંયોગિક પુરાવા વિભાગ તરફથી રજુ થયા બાદ જ સુનાવણી આપી શકાય. પરંતુ તમામ એન.ઓ.સી. હકારાત્મક હોવા છતાં સુનાવણી આપવા પાછળનો ઈરાદો સમજી શકાય તેમ નથી.
અગાઉ શું વ્યવસ્થા હતી અને ક્યારે અમલમા મુકાઈ હતી?
૬૩એએના પ્રકરણ હેઠળ ઔધોગિક એકમને જમીન ખરીદવા માટે આપવામાં આવેલી મંજુરીમાં પ્રમાણપત્ર મેળવવા માટે ફાઈલ ડીસીએલઆર કચેરીમાં મુકવામાં આવતી હતી. જ્યાંથી જુદા જુદા વિભાગોની એન.ઓ.સી. મેળવી આખરી ર્નિણય માટે કલેકટર સમક્ષ રજુ કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા વર્ષ ૨૦૧૦માં તત્કાલિન કલેકટર વિજય નહેરાના સમયમાં રાજ્ય સરકારના પરામર્શથી અમલમાં મુકવામાં આવી હતી.
નવી વ્યવસ્થામાં થયેલી કાર્યવાહીનું ઓડિટ થાય તો કૌભાંડ સામે આવે
લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ દરમ્યાન ડીસીએલઆર કચેરીમાં ૬૩એએ હેઠળ આવેલી અરજીઓમાં કેટલી અરજીમાં હકારાત્મક અભિપ્રાય હતા અને મંજુર કરવામાં આવી અને કેટલી અરજી સુનાવણી માટે અલગ કરવામાં આવી તેની તપાસ જરૂરી બની છે. આ પ્રક્રિયામાં સુનાવણીના નેજા હેઠળ અરજદાર કંપનીઓને હેરાન કરવામાં આવતી હોવાના કેટલાક કિસ્સા લોકસત્તા જનસત્તાને જાણવા મળ્યા છે. ખાસ કરીને કેટલાક મોટા પ્રોજેક્ટ અને ઈન્ડસ્ટ્રીયલ પાર્કની જમીનો માટે કોઈ વિશેષ રસ દાખવી રહ્યાનું કહેવાય છે. જેની તપાસ થાય તો મોટુ કૌભાંડ સામે આવે એમ મનાય છે.
હવે શું વ્યવસ્થા કરાઈ અને ક્યારથી કરવામાં આવી?
વર્ષ ૨૦૧૦થી અમલમાં મુકવામાં આવેલી વ્યવસ્થા કલેકટર અતુલ ગોર દ્વારા ઓક્ટોબર ૨૦૨૨થી બદલી ડીસીએલઆર વિભાગની ૬૩એએ હેઠળની ફાઈલ પહેલા આર.એ.સી.ને માર્ક કરવાની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ફાઈલ આર.એ.સી. મારફતે કલેકટર સમક્ષ મુકવાની નવી વ્યવસ્થા સ્થાનિક કચેરી આદેશથી શરૂ કરવામાં આવી છે.