શું તમે જાણો છો કોરોના મહામારી વચ્ચે વિશ્વમાં કેટલા માસ્ક વપરાય છે?
31, માર્ચ 2021 1089   |  

ન્યૂયોર્ક

કોરોના મહામારીના પગલે છેલ્લા ૧ વર્ષથી ફેસ માસ્ક અભિન્ન અંગ જેવા બની ગયા છે. મહામારીના પ્રતિક સમાન ગણાતા ફેસમાસ્કનો પણ પ્લાસ્ટિકની જેમ ઉપયોગ કરીને ફેંકી દેવામાં આવે છે આથી વેસ્ટ માસ્ક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે જોખમી બન્યા છે. અત્યાર સુધી મહામારી દરમિયાન કુલ કેટલા ડિસ્પોઝેબલ માસ્કનો સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે તે જાણવા મળતું નથી પરંતુ એક સ્ટડી મુજબ ૧ મહિને ૧૨૯ અબજ અને ૧ મીનિટમાં ૩૦ લાખ માસ્ક વપરાય છે

મહામારીમાં મોટા ભાગના ફેસ માસ્ક પ્લાસ્ટિક માઇક્રોફાઇબરથી બનેલા હોય છે. નિષ્ણાતો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહી આવે તો તે પર્યાવરણની દ્રષ્ટીએ મોટી સમસ્યા બની શકે છે. પ્લાસ્ટિકની જેમ જ ડિસ્પોઝેબલ માસ્ક હાનિકારક વસ્તુઓ, જૈવિક પદાર્થો જેવા કે બિસ્ફેનોલ એ જેવી ભારે ધાતુઓ ઉપરાંત રોગજનક સૂક્ષ્‍મ જીવો વાતાવરણમાં ફેલાવી શકે છે. આ સંશોધન માહિતી ડેન્માર્ક યુનિવર્સિટીના પર્યાવરણ પોઇઝન વિષયના વિજ્ઞાાની જિયાઓંગ જેસન રેન દ્વારા આપવામાં આવી છે. ડિસ્પોઝેબલ માસ્ક પ્લાસ્ટિકની બોટલોની જેમ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે પરંતુ તેનો સરળતાથી નાશ કરી શકાતો નથી.

સૂક્ષ્‍મ પ્લાસ્ટિક અને નેનો પ્લાસ્ટિકના કણ તૂટીને હવામાં ફેલાઇ શકે છે. સામાન્ય રીતે ૧ માઇક્રોમીટરથી પણ નાના કણ હોય છે જેને નેનો પ્લાસ્ટિક કહેવામાં આવે છે. સંશોધકોનું માનવું છે કે માસ્કના નેનો કણો પ્લાસ્ટિકના કણો કરતા પણ ઝડપથી ફેલાઇ શકે છે. પ્લાસ્ટિક બોટલોના કેટલાક પ્રકારના પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થઇ શકે છે પરંતુ માસ્કના રિસાયકલ અંગે હજુ ખાસ સંશોધનો થયા નથી. જો વેસ્ટ માસ્કનું ટકાઉ રિસાયકલ ના થઇ શકે તેવા સંજોગોમાં અન્ય પ્લાસ્ટિક કચરાની જેમ જ તે ડિસ્પોઝેબલ તરીકે લેન્ડફિલ પર અથવા તો મહાસાગરોમાં જોવા મળે તે દિવસો દૂર નથી. નવા માસ્ક બનાવવામાં સૂક્ષ્‍મ આકારના પ્લાસ્ટિક ફાઇબરના માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે. આથી માસ્કમાં રહેલું નેનો પ્લાસ્ટિક પ્રદૂષણનો નવો સ્ત્રોત બન્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે વધતા માસ્કના ઉત્પાદન સામે બાયોડિગ્રેબલ માસ્કના ઉત્પાદન કરવા પર ભાર મુકવાની જરુર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution