શું આપ ઑનલાઇન શોપિંગ કરો છો?

લેખકઃ નીતા દવે | 

અત્યારના ઝડપી ચાલતા સમય દરમિયાન દરેક વ્યક્તિ સમયનું મેનેજમેન્ટ કરી અને એક દિવસના ૨૪ કલાકમાં ૪૮ કલાકનું કામ કરવા માટે પ્લાનિંગ કરતી રહેતી હોય છે. એમાં પણ એક લેડીઝ જે વર્કિંગ વુમન હોય અને સાથે હાઉસવાઈફની જવાબદારીઓ પણ નિભાવતી હોય ત્યારે તેના માટે ઘરની નાની-મોટી ઘર વપરાશની ચીજવસ્તુની ખરીદી કરવા માટે ઓનલાઇન શોપિંગ એ ખૂબ સારો વિકલ્પ કહી શકાય. બિગ બાઝાર ,જીયો માર્ટ, સ્માર્ટ બાઝાર,ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે તેનાં શ્રેષ્ઠ વિકલ્પો છે.

પહેલા ફક્ત મોટા સિટીમાં જ ઓનલાઇન શોપિંગના ઓપ્શન અવેલેબલ હતા. પરંતુ હવે ધીમે ધીમે મોબાઈલ ટેકનોલોજીના વિકાસ સાથે ઓનલાઇન શોપિંગ કરવું એ બહુ સરળ બનતું જાય છે. આ સુવિધા ગ્રામ્ય વિસ્તારથી લઈ અને મોટા શહેરો સુધી ખૂબ સરળતાથી પ્રાપ્ય બનતી થઈ ગઈ છે. દૈનિક જીવનના રોજિંદા કામકાજ વચ્ચે સમય ફાળવી માર્કેટ સુધી જવું અને વસ્તુઓની ખરીદી કરીને લાવવી,એમ કરવા કરતા આ ઓનલાઇન શોપિંગમાં જે કંઈ પણ ઓર્ડર કરીએ તે બધી જ વસ્તુઓ અમુક સમયમર્યાદામાં તો ઘર પર બેઠા બેઠા જ મળી જાય છે. વળી, કોઈપણ એક જ વસ્તુના એક કરતાં વધારે વિકલ્પો, અલગ અલગ કિંમત સાથે એક જ જગ્યા ઉપરથી મેળવી શકાય છે, અને એ પણ માત્ર મોબાઇલ સ્ક્રીનના એક સ્પર્શ માત્રથી! આ રીતે ઓનલાઇન શોપિંગ કરવાથી સમય અને શક્તિનો બચાવ તો થાય જ છે,પરંતુ સાથે સાથે કિંમતમાં ઘણા તફાવત હોવાથી ઘણી બચત પણ થઈ રહે છે.

પરંતુ જેવી રીતે કોઈપણ બાબતની સારી અને ખરાબ બે બાજુ હોય એવી રીતે ઓનલાઇન શોપિંગ કરતા પહેલા પણ કેટલીક બાબતોની સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે.

 આવી રીતે ઓનલાઇન શોપિંગ માટે કામ કરતી વેબસાઈટ કે એપ્લિકેશનમાં ઘણી વખત ચીજવસ્તુ બાબતે ઘણા ફ્રોડ થતાં જાેવા મળે છે. તહેવારો ઉપર આપવામાં આવતાં ડિસ્કાઉન્ટ અને ઓછી કિંમતની ચીજવસ્તુઓનો સેલ, એવી જાહેરાત કરવામાં આવે ત્યારે ગ્રાહક તરીકે કોઈપણ વસ્તુની ખરીદી કરતા પહેલા વસ્તુની કંપની અને ગુણવત્તાની ખાસ ચકાસણી કરવી. એમાં પણ જ્યારે ખાણીપીણીના પ્રોડક્ટની ખરીદી કરો ત્યારે તેની મેન્યુફેક્ચર ડેટ અને એક્સપાયરી ડેટ બંને ધ્યાનથી ચકાસી લેવી. કારણકે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે સ્ક્રીન ઉપર બતાવવામાં આવેલી વસ્તુઓની ડીલેવરી થતી નથી અને વસ્તુની કિંમત ચૂકવાઇ ગયા પછી એપ્લિકેશનના ઓથોરિટી સાથે સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. ક્યારેક એવું પણ બને કે તમે મંગાવેલી મોંઘી વસ્તુઓ અલગ કંપનીની અને ઓછી ગુણવતાવાળી આવી હોય તો તેને રિટર્ન કરવા માટે અથવા કરેલી ચુકવણીના રિફંડ મેળવવા બાબતે જ્યારે શોપિંગ એપ્લિકેશનમાં કસ્ટમર કેરનો સંપર્ક કરો ત્યારે સંતોષકારક જવાબ મળતો નથી.

તો આ માટે ખાસ જણાવવાનું કે જ્યારે પણ આ રીતે ઓનલાઇન શોપિંગ કરો ત્યારે ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસીને ઓર્ડર કરવો અને ઓર્ડરની ડીલેવરી ઘરે મળ્યા બાદ જાે કોઈ પ્રોબ્લેમ થાય અને કસ્ટમર કેરમાંથી જાે ગ્રાહકને સંતોષકારક જવાબ ન મળે તો આપ તમારા સિટીમાં આવેલા ગ્રાહક સુરક્ષા કચેરીમાં જઈને ગુનો નોંધાવી શકો છો અથવા સાયબર ક્રાઇમ પોલીસની પણ સહાયતા મેળવી શકો છો.આ સમય મોબાઇલ અને ટેકનોલોજીનો સમય છે.હવે લગભગ તમામ નાણાકીય વહીવટ અને બેન્કિંગ વ્યવસ્થાની બધી જ કામગીરી મોબાઇલ દ્વારા થતી હોય છે. આથી ઓનલાઇન શોપિંગ કરતા સમયે બેંકની ડિટેઈેલ આપતાં પહેલા જે એપ્લિકેશનમાંથી શોપિંગ કરતા હોઈએ તેનું વેરિફિકેશન કરી લેવું ખૂબ અગત્યનું છે. શક્ય બને ત્યાં સુધી ઓનલાઇન શોપિંગ કરતી વખતે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પસંદ કરવો જેથી બેંક ડીટેઈલ એપ્લિકેશન ઉપયોગમાં લેવી ન પડે. કેમ કે,હવે ઓનલાઇન શોપિંગના નામે પણ ઘણા લોકો નાણાકીય ફ્રોડ કરતા હોય છે.

આજના સમયની ગૃહિણી સમયની સાથે ચાલતા ચાલતા સ્માર્ટ શોપિંગ કરવામાં પણ ઘણી હોંશિયાર બનતી જાય છે. જ્યારે એપ્લિકેશનમાં આપેલા ડિસ્કાઉન્ટ કે સેલની લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર જરૂરી અને યોગ્ય પ્રોડક્ટની સાચી કિંમત ચૂકવી અને સાવચેતી સાથે જ શોપિંગ કરશો ત્યારે જ સાચા અર્થમાં સ્માર્ટ શોપિંગ કરેલું કહેવાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution