લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
1881
સુરત શહેરમાં ડોગ બાઇટનાં કિસ્સા વધતાં જાય છે, ગઇકાલે બુધવારે પણ લિંબાયત અને પીપોદરામાં બે માસુમ બાળકો ઉપર રખડતાં શ્વાનો દ્વારા હુમલો કરવાનાં બનાવો બન્યાં હતાં. રખડતાં શ્વાનોની વસતીને નિયંત્રણમાં લેવા માટે મહાનગર પાલિકા દ્વારા ખસીકરણનાં ઓપરેશન કરાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીનાં સંચાલકોનાં ધાંધિયાને કારણે છેલ્લા બે દિવસથી ભેસ્તાન સ્થિત એબીસી સેન્ટર ખાતે શ્વાનોનાં ખસીકરણનાં ઓપરેશન બંધ થઇ ગયાં છે. એબીસી સેન્ટર ખાતે લાલિયાવાડી ચલાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીનાં સંચાલકોને મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ નોટિસ ફટકારી લાલિયાવાડી બંધ કરી દેવા તાકિદ કરી છે.
રખડતાં શ્વાનો માટે સુપ્રીમ કોર્ટે આપેલાં ચૂકાદા પછી જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારોમાં ડોગ બાઇટનાં વધતાં જતાં કિસ્સાઓથી વહિવટી સત્તાધીશો સક્રિય બન્યાં છે. સુરત શહેરમાં વર્ષ ૨૦૨૪માં ડોગબાઇટનાં ૩૪,૪૧૮ અને વર્ષ ૨૦૨૫માં ૩૯,૪૩૨ કેસ નોંધાયા હતાં જ્યારે પ્રવર્તમાન વર્ષે માત્ર સાડાચાર મહિનામાં જ ડોગબાઇટનાં ૧૮,૧૪૩ કેસ નોંધાયા છે તેની સામે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૭,૮૭૦ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ૯૫૮૫ શ્વાનોનાં ખસીકરણનાં ઓપરેશન કરવામાં આવ્યા હતાં. પ્રવર્તમાન વર્ષે ચાર મહિનામાં ૧૬૮૪ શ્વાનોનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે.
સુરત મહાનગર પાલિકાએ શ્વાનોનાં ખસીકરણ માટે વેટ સોસાયટી ફોર એનિમલ વેલફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ એજન્સીનાં સંચાલકની બેદરકારી અને લાલિયાવાડીને કારણે ખસીકરણ અભિયાન નિષ્ફળ રહેતાં લોકો દ્વારા મહાનગર પાલિકાનાં સત્તાધીશો ઉપર પસ્તાળ પાડવામાં આવી રહી છે. ખસીકરણનાં ઓપરેશન માટે ચાર તબીબોની સેવા લેવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટરે તબીબોને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર નહીં ચૂકવતાં ચારેય તબીબોએ છેલ્લા બે દિવસથી શ્વાનોનાં ઓપરેશન કરવાનાં બંધ કરી દીધાં છે. ઓપરેશન બંધ થઇ જતાં શહેરમાંથી શ્વાનોને પકડીને એબીસી સેન્ટર ખાતે લાવવાની કામગીરી પણ ઠપ થઇ ગઇ છે. કોન્ટ્રાક્ટરની ડોગકેચર ટીમ દ્વારા નાની ઉંમરનાં શ્વાન તેમજ ડીસ્ટેમ્પર જેવા જીવલેણ રોગ ધરાવતા શ્વાન ઓપરેશન માટે પકડીને સેન્ટર ખાતે લાવવામાં આવતાં હોવાની વાતનો ભંડાફોડ આજે થયો હતો. એબીસી કમિટીનાં સભ્યોની મુલાકાત વખતે નાની ઉંમરનાં ત્રણ શ્વાન અને ડીસ્ટેમ્પર રોગ ધરાવતો શ્વાન સેન્ટર ખાતે મળી આવતાં ડોગકેચર ટીમને સખ્ત શબ્દોમાં તાકિદ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ડોગકેચર ટીમને પણ નિયમિત રીતે પગાર નહીં અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે. તમામ લાલિયાવાડી અંગે કોન્ટ્રાક્ટર એજન્સીને આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી કામગીરીમાં તાત્કાલિક સુધારો લાવવા તાકિદ કરી છે.