16, સપ્ટેમ્બર 2025
1287 |
ઇસ્લામાબાદ, ભારત સાથેના વેપાર સંબંધો બગાડ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મહિનાના અંતમાં, ન્યૂયોર્કમાં યોજાનારા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સત્ર દરમિયાન ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ મુલાકાતમાં પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ હાજર રહેશે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડાપ્રધાન શાહબાઝ શરીફ ૨૫ સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ બેઠકમાં બહાવલપુર હુમલો, પાકિસ્તાનમાં આવેલા પૂર અને કતારમાં ઇઝરાયલના હુમલાની અસર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન અમેરિકા સાથેના તેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. આ આર્મી ચીફ અસીમ મુનીરની ટ્રમ્પ સાથેની ત્રીજી મુલાકાત હશે, જે બંને દેશો વચ્ચે વધતા સૈન્ય અને રાજદ્વારી સહયોગનો સંકેત આપે છે.
આ વર્ષે, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૮૦માં સત્રની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે નહીં. તેમના સ્થાને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દેશનું પ્રતિનિધિત્વ કરશે, જેઓ ૨૭ સપ્ટેમ્બરના રોજ સત્રને સંબોધિત કરશે. આ વૈશ્વિક મંચ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જાેવા મળતા ફેરફારોને દર્શાવે છે.