લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026 |
1980
ગાંધીનગર: સમગ્ર અમદાવાદ રાજ્યભરના શહેરો અને નગરો જાણે આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હોય તેવા દ્શ્યો માર્ગો ઉપર જાેવા મળ્યાં હતા. કારણ હતુ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાની ... લોકોના મનમાં ડર પેસી ગયો હતો કે હવે પેટ્રોલની અછત સર્જાશે.. એક કાનેથી બીજા કાને કરતા કરતાં વાત પ્રસરી ગઇ અને તેની અસર પેટ્રોલ પંપો ઉપર પડી.. પેટ્રોલ પંપો ઉપર કતારો લાગી ગઇ. દ્વિચક્રી, ત્રી ચક્રી અને ચા પૈડાવાળા વાહનોએ જાણે પેટ્રોલપંપોને બાનમાં લઇ લીધા હતા.. જ્યાં જાહેર માર્ગો ઉપર પેટ્રોલ પંપો હતા ત્યાંની સ્થિતિ કફોડી બની ગઇ હતી એક તો પેટ્રોલ ભરાવવા માટે બેકાબૂ વાહનચાલકો અને ટ્રાફિક જામ થવાને કારણે રસ્તાઓ ઉપર વાહનોના હોર્ન. આ બધી સમસ્યાઓએ જાણે અમદાવાદની સાથેસાથે રાજ્યને બપોર બાદ બાનમાં લઇ લીધુ હતું... કેટલાંક સ્થળોએ તો પેટ્રોલ પંપો પર પેટ્રોલ નથીના પાટિયા લટકાવી દેવાતા મામલો વધુ પેચિદો બની ગયો અને લોકોના મનમાં શંકા ઘર કરી ગઇ કે ચોક્કસ પેટ્રોલની અછત સર્જાશે.. જેને કારણે સ્થિતિ વધુ વણસી..તેમાંય પેટ્રોલ પંપો ઉપર તો પેટ્રોલ સંચાલકો અને વાહનચાલકોની માતાકૂટોએ મામલો ગંભીર બનાવી દીધો હતો.. ઉચાટ સાથે લોકો પેટ્રોલ પપો ઉપર દોડી ગયા હતા. રાજકોટમાં આઇઓસી અને નયારાએ રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ પંપ બંધ રહેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સંચાલકો દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે વેચાણ શરૂ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આ અંગે મહત્વની બેઠક પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત ડીલરો એસોસિએશનને પોતાની સમસ્યા જણાવશે. બીજીતરફ વડોદરામાં પણ સ્થિતિ ગંભીર જાેવા મળી રહી છે. શહેરમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરમાં ખાનગી કંપની દ્વારા સંચાલિત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવ્યા છે. કંપનીના આ ર્નિણયથી વાહન ચાલકોમાં ડર જાેવા મળી રહ્યો છે. શહેરમાં ઘણા પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે વાહનોની મોટી લાઈનો લાગી છે. રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા અહેવાલોને લઈને જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઈંધણની અછત નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં કુલ ૩૬૧ પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ અને શહેર વિસ્તારમાં ૯૭ પંપોનો સમાવેશ થાય છે. તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી.કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે, અફવાઓથી પ્રભાવિત થઈને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે. પ્રશાસનના કહેવા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને ઈંધણ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે.
રાજ્યમાં પૂરતી વ્યવસ્થાની તૈયારીઓ, ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે: સંઘવી
રાજયમાં પેટ્રોલ-ડીઝલનો રાજયમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું તેવું નિવેદન રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, ખોટી અફવાઓ ફેલાવનારાઓ અને કાળાબજાર કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.” ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યા છે. જાે ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, જાે રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ
ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.